કાશ્મીરની રાબીયા : લલ્લેશ્વરી : ડૉ. મહેબૂબ દેસાઈ

સૂફી સંતોમાં ભારતમાં જે સ્થાન હઝરત રાબીયા ધરાવે છે, તેવું જ સ્થાન કાશ્મીરમાં સંત લલ્લેશ્વરીનું છે. હાલમાં જ પરિચય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને શ્રી ભુપતરાય ઠાકર દ્વારા લિખિત પરિચય પુસ્તિકા “લલ્લેશ્વરી” મારા વાંચવામાં આવી. લેખકે સુંદર અને સરળ શબ્દોમા લલ્લેશ્વરીનું શબ્દ ચિત્ર અંકિત કર્યું છે. જો કે તેમની રચનાઓના અનુવાદમાં થોડી કચાસ ભાસે છે. પણ કાશ્મીરી ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદિત કરેલી રચનો માટે એટલી બાબત ક્ષમ્ય બને. લલ્લેશ્વરીની રચાનઓ જેને “વાખ” કહે છે, તેની અસર એ વખતના કાશ્મીરના અનેક સૂફી સંતો પર થઇ હતી. જેમાના એક હતા શેખ નૂરુદ્દિન વાલી. જેમને લલ્લેશ્વરીએ પોતાનું દૂધપાન કરાવી ઉછેર્યા હતા. જેમને કાશ્મીરના લોકો ઋષિ નુરુદ્દીન તરીકે ઓળખે છે. તેઓ લલ્લેશ્વરીના આધ્યાત્મિક આચાર-વિચારોથી અંત્યત પ્રભાવિત હતા. લલ્લેશ્વરી તેમની એક વાખમા લખે છે,

 “જે કઈ કાર્ય કરું છું તે મારી ભક્તિ છે

  જે કઈ શબ્દ ઉચ્ચારું છુ તે મારી પ્રાર્થના છે

  જે  કઈ શરીર અનુભવે છે તે મારું તપ છે”

એકવાર કાશ્મીરના ત્રણ સંતો સંત નસરુદ્દીન, ઋષિ નંદ અને લલ્લેશ્વરી પોતાના આધ્યાત્મિક અનુભવો વર્ણવતા હતા. સૌ પ્રથમ નસરુદ્દીન બોલ્યા,

“સુર્યના પ્રકાશ જેવો પ્રકાશ નહિ,ગંગા જેવું તીર્થ નહિ, ભાઈ સમો કોઈ બંધુ નહિ અને પત્ની જેવું કોઈ સુખ નહિ”

ગુરુ નંદ બોલ્યા,

“આંખની જ્યોતિ જેવો કોઈ પ્રકાશ નહિ, પગ જેવું કોઈ તીર્થ નહિ, ગજવા જેવો કોઈ ભાઈ નહિ અને ખાનપાન જેવો કોઈ આરામ નહિ”

હવે લલ્લેશ્વરીનો વારો હતો. તેમણે સ્વસ્થ સ્વરે કહ્યું,

“ઈબાદત (ભક્તિ)જેવો કોઈ પ્રકાશ નહિ, જ્ઞાન જેવું કોઈ તીર્થ નહિ, શંકર (ઈશ્વર) જેવો કોઈ બંધુ નહિ અને પ્રભુના ભય (ખુદના ખોફ) જેવું કોઈ સુખ નહિ”

આધ્યાત્મિકતાની આ ઊંચાઈ લલ્લેશ્વરીની વિશિષ્ટતા હતી. સૌથી મોટો પ્રકાશ તો  ખુદાની ઈબાદત દ્વારા પ્રાપ્ત થાય છે. સૌથી મોટી યાત્રા તો જ્ઞાનની યાત્રા છે. માનવીનો સાચો બંધુ તેનો ભગવાન, ખુદા છે. જેની પાસે તે તેના દુઃખોનો ઉકેલ માંગે છે. અને સૌથી મોટો ભય તો ખુદનો છે. તેનો ભય જ આપણ ને સુખનો અહેસાસ અને દુઃખમાં હિમ્મત અર્પે છે. આવા ઉત્તમ સદવિચારોના માલિક લલ્લેશ્વરી કાશ્મીરમા અનેક નામોથી જાણીતા છે. લાલ ડેડ, લલ્લા, લાલ દીદી અને લાલ યોગેશ્વરી. આજે પણ કાશ્મીરના લોકો તેમની રચનાઓને ગાય છે અને તેમા રહેલ આધ્યત્મિક અભિગમને પામવાનો પ્રયાસ કરે છે.સુલતાન અલ્લાઉદ્દીનના શાસનકાળ દરમિયાન ઇ.સ.૧૩૧૭મા શ્રીનગરથી ત્રણેક માઈલ દૂર આવેલા પાન્દ્રેઠન (હાલના સીમપોર)માં એક અંત્યંત સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલ લલ્લેશ્વરીનું શિક્ષણ પિતાના હાથ નીચે થયું હતું.પોતાના અભ્યાસ અંગે તેઓ લખે છે,

“અભ્યાસ કરતા કરતા તાળવા અને જીભ ઘસાઈ ગયા”

આવા સખ્ત અભ્યાસ પછી લલ્લેશ્વરીએ પ્રમનો જે મર્મ પામ્યો એ અદભૂત હતો. સૂફી વિચારધારામાં ઈશ્વર કે ખુદા સાથેનો પ્રેમ એ જ ઈબાદતના કેન્દ્રમા હોય છે. અને એટલે જ લલ્લેશ્વરી કહે છે,

  “પીડા વગરનો પ્રેમ ન ઝંખું

  હુદહુદની ચાંચે હૃદય કોરી ખાધું,

  એ પીડામાંથી પ્રેમ પ્રગટ્યો

  એ પ્રમમાં હું તણાઈ ગઈ છું”

સૂફી પરંપરામાં શરીરની આસક્તિમાંથી મુક્ત થવા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. લલ્લેશ્વરીની વાખમાં તે વિચાર વારંવાર પ્રગટે છે.

 “મોસમી વરસતા જળને કોણ રોકી શકે ?

  પવનને ભલા કોણ મુઠ્ઠીમા બાંધી શકે ?

  જેણે પાંચ ઇન્દ્રીઓને વશ કરી

  તેને અંધકારમાં સુરજ પકડતા કોણ રોકી શકે”

અંધકારમાં સૂરજ પકડવાની ક્રિયા એ સંસારમાં રહીને ઈશ્વરને પામવાની ક્રિયા છે. એ માટે ઈબાદત અર્થાત ભક્તિ અનિવાર્ય છે. પણ ભક્તિ એટલે એકાગ્રચિત ખુદા-ઈશ્વરનું સ્મરણ. જે કઠીન છે. સંસારના સમુદ્રમાં રહીને ભક્તિનો ધાગો (દોરો) પકડી રાખવો મુશકેલ છે. લલ્લેશ્વરી લખે છે,

“સમદરિયે કાચે ધાગે

 નાવડી ખેંચતી જાવ છું,

 કયારે ઈશ્વર સાંભળશે

 કયારે પાર ઉતારશે,

 થઇ ગઈ કાચા ઘડા જેવી

 જળ જેમાં ઝમ્યા કરે

 જીવ અધીરો થાય છે

 અને પાછી વળી જાઉં છું”

ઈશ્વર-ખુદા કણ કણમા છે. તેની શોધ માટે મંદિર, મસ્જિત, ગુરુદ્વારા કે ચર્ચમા જવાની જરૂર નથી. એ તો જ્યાં તમે છો ત્યાં હાજર જ છે. તેને શોધવાની નહિ, પામવાની જરૂર છે. લલ્લેશ્વરી આજ વિચારને પોતાની શૈલીમાં સાકાર કરતા કહે છે,

“તું જ ગગન, તું જ ભૂતળ તું જ દિવ્ય,

 તું જ શીતલ,  તું જ નિશા, તુજ અર્ધ્યે

 તું જ ચંદન, તું જ પુષ્પ, તું જ જળ,

 તું જ સર્વસ્વ, પછી તને શું અર્પું”

 હિંદુ- મુસ્લિમ બંને સમાજમાં તેમની વાખ સમાન રીતે વ્યાપેલી હતી.બધા તેને પોતીકી માની આત્મબોધ પામતા.

“કણે કણમા શિવ છે, જાણી લે એ ભેદ

 હિંદુ-મુસ્લિમ સૌ માટે સમાન અને નેક” 

કોઈ સંપ્રદાય, કોઈ પંથ ન બનાવી લલ્લેશ્વરીએ સમાજને ભેદોના વડાઓથી મુક્ત રાખવાનો આદર્શ આપ્યો છે.સર્વ ધર્મ પ્રત્યે સમાનતા શીખવી છે. સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક વિકાસ ખીલવવા સતતપ્રયાસ કર્યો છે. કાશ્મીરમા લોકજાગૃતિ લાવવામાં તેમનો સિંહફાળો છે. સમાજના સાત્વિક ધડતરમાં આવા સૂફી સંતો જ દરેક યુગમાં અગ્ર રહ્યા છે. સંત લલ્લેશ્વરી એવા સંતોમાં શિરોમણી છે અને તેમની રચનો દ્વારા રહેશે.

Advertisements

2 Comments

Filed under Uncategorized

2 responses to “કાશ્મીરની રાબીયા : લલ્લેશ્વરી : ડૉ. મહેબૂબ દેસાઈ

  1. Purvi

    Bahu j saras mahebubbhai

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s