ઇસ્લામ અને કુટુંબ નિયોજન : ડૉ. મહેબૂબ દેસાઈ

 ઇસ્લામ અંગેની અનેક ગેરસમજોમાની એક ગેરસમજ એ છે કે ઇસ્લામ કુટુંબ નિયોજનમા નથી માનતો. પરિણામે મુસ્લિમ વસ્તીનો ભય ઝાંઝવાના જળ જેમ લોકોમા પ્રસરાવવામાં આવે છે. એ સત્ય નથી. ઇસ્લામની હદીસોમાં આ અંગે અનેક દ્રષ્ટાંતો આપવામાં આવ્યા છે. એ જાણવા સમજવા માટે “કવલ-એ-રસુલ” નામક હદીસમા કુટુંબનિયોજન તરફ નિર્દેશ કરતા અનેક પ્રસંગો આપવામાં આવ્યા છે.

એકવાર એક અનુયાયી મહંમદ સાહેબ પાસે આવ્યો. અને બોલ્યો,

“મારી પાસે એક લોંડી (સ્ત્રી ગુલામ) છે. હું તેની સાથે શારીરિક સબંધ રાખવા ઈચ્છું છું. પણ એ ગર્ભવતી થાય તેમ હું નથી ઇચ્છતો, કેમ કે તે મારા સમગ્ર ઘરનું કામ કરે છે. જો તે ગર્ભવતી થાય  તો મારું ઘર કોણ સંભાળે ?”

મહંમદ સાહેબે એક નજર એ સહાબી પર નાંખી પછી ફરમાવ્યું.

“અગર તારી ઈચ્છા એવી છે તો તું તે ગર્ભવતી ન થાય તે માટે “અજલ” કરી શકે છે. પણ થશે તે જ જે અલ્લાહને મંજુર હશે”

ઇસ્લામિક ગ્રંથોમાં “અજલ”ની કાફી ચર્ચા છે. “અજલ” એટલે સમાગમની એવી ક્રિયા જેમાં સંતાનોત્પતિથી બચવા સ્ત્રીના ગર્ભમાં વીર્ય ન જાય તેની તકેદારી રાખવી. અરબસ્તાનની એ સમયની સામાજિક-આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ “અજલ”નો સિદ્ધાંત લોકોને આપ્યો હતો. એ સમયે અરબસ્તાનની સામાજિક સમસ્યાઓ આમ સમાજ માટે કસોટી સમાન હતી. એ સમસ્યાઓ નીચે મુજબ હતી.

૧. લોંડી (ગુલામ સ્ત્રીઓ)થી જન્મતા સંતાનો

૨. સ્ત્રી ગુલામોના સંતાનોને આપવો પડતો સામાજિક-આર્થિક દરજ્જો

૩. સ્ત્રી ગુલામો અમીરોના નવજાત બાળકોને પૈસા લઈને દૂધ પીવડાવવાનું કાર્ય કરતી. તેઓ વારંવાર ગર્ભવતી થાય તો બાળકોને દૂધ પીવડાવવાની સમસ્યા ઉત્પન થાય.  

આ ત્રણે સમસ્યાના ઉકેલ માટે સ્ત્રી ગુલામો સાથે શારીરિક સંબધો છતાં તેમને સંતાનોપ્તી ન થાય તે જરૂરી હતું. એ માટે હઝરત મહંમદ સાહેબે સ્ત્રી ગુલામોથી થતા સંતાનોને અટકાવવા “અજલ”નો માર્ગ લોકોને ચિંધ્યો હતો. એ માટેના કેટલાક કિસ્સાઓ ઇસ્લામિક ગ્રંથોમાં જોવા મળે છે.

હઝરત અબુ સઈદ જણાવે છે, મહંમદ સાહેબે ફરમાવ્યું છે,

“વીર્યના દરેક ટીપામાંથી બાળકનો જન્મ થયા તે જરૂરી નથી.પણ અલ્લાહ જયારે કોઈને પૈદા કરવા ઇચ્છે છે, ત્યારે તેને કોઈ રોકી શકતું નથી”

હઝરત અબુ સઈદ આગળ લખે છે,

“હું અને મારી પત્ની મુસ્તલિકની લડાઈમાં મહંમદ સાહેબ સાથે હતા.એ પ્રસંગે અમે મહંમદ સાહેબને પૂછ્યું હતું,

“મહંમદ સાહેબ શું અમે એવો પ્રયત્ન કરી શકીએ જેથી ગર્ભ (હમલ)ન રહી શકે ? જેમ કે સ્ખલન સમયે પત્નીથી અલગ થઇ જવું અથવા ગર્ભ રોકવા ઔષધી લઇ શકીએ” 

મહંમદ સાહેબે ફરમાવ્યું,

“સ્ખલન વખતે પત્નીથી અલગ થઇ જવું એટલે “અજલ” એમ કરવામાં કોઈ નુકસાન કે ગુનાહ   નથી. અથવા એ માટે કોઈ ઔષધી લેવામાં પણ કોઈ પાબંદી નથી. પણ ખુદાએ એ પૈદા કરવાનો ફેંસલો કર્યો છે તે તો તે પૈદા થઈને રહશે”

કુરાને શરીફમાં પણ કુટુંબ નિયોજનને પરોક્ષ રીતે સ્વીકારતી આયાત જોવા મળે છે. જેમા કહેવામા આવ્યું છે,

“તમારી પત્નીઓ તમારા ખેતર સમાન છે. તમે જયારે ઈચ્છો ત્યારે તેમાં જઈ શકો છો”

જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ આ આયાત ગુઢ છે. જીવનશાસ્ત્ર મુજબ સ્ત્રી અને પુરુષનો દરજ્જો ખેડૂત અને ખેતર સમાન છે.  ખેડૂત પોતાના ખેતરમાં બીજારોપણ કરે છે અને ઉપજ મેળવે છે. પ્રજોત્પતિ માટે એ જ ભૂમિકા પુરુષ ભજવે છે.તે સ્ત્રીના ગર્ભમાં બીજારોપણ કરે છે. પણ એ ક્રિયામાં પણ પુરુષ અને સ્ત્રીની ઈચ્છા-અનિચ્છાને કુરાને શરીફે પ્રાધાન્ય આપ્યું છે.

“તમે ઈચ્છો ત્યારે …. ખુદાએ જે ઈચ્છયું છે તે મેળવી શકો છો”

આ બાબત જ સંતાનોત્પતિ માટે સ્ત્રી પુરુષની ઈચ્છાને પ્રાધાન્ય આપે છે. પતિ-પત્ની ઈચ્છે ત્યારે સંતાન માટે બીજારોપણ કરી શકે છે. તેમની ઈચ્છા હોય તો તે બીજારોપણ ન કરવા સ્વતંત્ર છે.

આજે તો વિશ્વના દરેક મુસ્લિમ રાષ્ટ્રોએ કુટુંબ નિયોજનના વિચારને સ્વીકારેલ છે. ઇન્ડોનેશિયા, પાકિસ્તાન જેવા મુસ્લિમ રાષ્ટ્રોમા કુટુંબ નિયોજન કાર્યક્રમ “ખાનદાની મન્સુબાબંદી”ના નામે સરકાર દ્વારા  ચાલી રહ્યોં છે. કેટલાકના માટે કુટુંબ નિયોજન એટલે સંખ્યાબળમા ઘટાડો. એ વિચાર પણ સ્થૂળ અને અવાસ્તવિક છે.કુટુંબ નિયોજન એટલે સંતાનને પૂરતું પોષણ, સમૃદ્ધ ઉછેર, ઊચ્ચ શિક્ષણ અને ઉજ્જવલ ભાવી. એ વિચાર પેલા સ્થૂળ વિચાર કરતા વાસ્તવિક અને ઉન્નતીપ્રેરક છે. રાષ્ટ્ર, રાજ્ય અને કોમના વિકાસ અને સમૃદ્ધિ માટે તે અનિવાર્ય છે અને રહેશે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s