અમીર ખુસરોની રચનાઓમા સૂફીવાદ : ડો.મહેબૂબ દેસાઈ

સૂફી પરંપરાના પ્રખર ઉપાસક અબ્દુલ હસન યામિન ઉદ્દીન ખુશરો (ઈ.સ.૧૨૫૩- ૧૩૨૫) તુર્કના વતની હતા. તેમના પિતા અમીર સૈફુદ્દીન ઈરાનથી ભારતમાં આવ્યા હતા. ઈરાનમાં ચંગીઝખાનએ પ્રજામાં અરાજકતા પ્રસરાવી હતી. તેનાથી બચવા તેઓ ભારત આવી વસ્યા હતા. અમીર ખુસરોનો જન્મ પતિયાલામાં થયો હતો. બાળક હતા ત્યારે તેમના માતા-પિતા તેમને બુરખામાં લપેટી એક સંત પાસે લઇ ગયા હતા. તેમને આવતા જોઈ એ સંત બોલી ઉઠ્યા હતા,
“આ બાળક મહાન કવિ, બહાદુર અને ધાર્મિક બનશે. ખુબ કીર્તિ અને માન મેળવશે”
નાનપણથી જ હઝરત નિઝામુદ્દીન ઓલિયાના સહવાસને કારણે ઉર્દૂ, તુર્કી અને ફારસી સાથે લોકબોલીમા તેઓએ નિપૂર્ણતા કેળવી હતી. તેમની રચનાઓમાં તે જોઈ શકાય છે. તેઓ શીઘ્ર કવિ તરીકે પંકાયેલા હતા. એકવાર ખુસરો પગપાળા જઈ રહ્યા હતા. રસ્તામા તેમને તરસ લાગી. એક કુવા પર ચાર પનીહારીઓ પાણી ભરી રહી હતી. ખુસરોએ તેમને પાણી પીવડાવવા વિનતી કરી. પનીહારીઓ તેમને ઓળખી ગઈ. અને બોલી ઉઠી,
‘આપ તો શીઘ્ર કવિ છો. અમે ચારે જણ એક એક શબ્દ બોલીએ તેના પરથી કવિતા બનાવી દો, તો તમને પાણી પીવડાવીએ”
અને ચારે પનીહારીઓ એકએક શબ્દ બોલી. ખીર, ચરખો, કુતરો અને ઢોલ. ચારે શબ્દો સાંભળી એક પળ ખુસરો વિચારમાં મગ્ન રહ્યા અને પછી બોલી ઉઠ્યા,

” ખીર પકાઈ જતન સે, ચરખા દિયા જલા,
આયા કુત્તા ખા ગયા, તું બેઠી ઢોલ બજા”

ખૂસરોની આધ્યાત્મિક રચનાઓમા ખુદાને સાજન અને પોતાને દુલ્હનના સ્વરૂપમાં જોવાની,ચાહવાની ખેવના અતુટ રીતે વ્યક્ત થાય છે. જેમ મીરા કૃષ્ણને પોતાના સાજન માની તેની ઇબાદતમાં લીન રહેતી હતી. એમ જ અમીર ખુશરો પણ પોતાને આશિક અને ખુદાને માશુકા માની ખુદાની ઇબાદતમાં લીન રહેતા હતા. સુહાગ રાતે દુલ્હનનો શ્રુંગાર પતિને રીઝવવા માટે હોય છે. એમ જ માનવીનો શ્રુંગાર તેમના કર્મો છે. જે ખુદા સાથે ભક્તને એકાકાર કરે છે. શ્રુંગાર એ મન, વચન અને કર્મથી ખુદા પાસે જતાં પૂર્વે શુદ્ધ થવાની પ્રક્રિયાનો એક ભાગ છે. અમીર ખુશારોં નીચેની તેમની રચનામા તેનું સુંદર આલેખન કરે છે.

“ખુશરૂ રૈન સોહાગ કી
જાગી પી કે સંગ
તન મોરો મન પીઉ કો
દોઉ ભયે એક રંગ

ગોરી સોવે સેજ પર
મુખ પર ડારે ખેસ
ચલ ખુસરો ઘર અપને
રૈન ભઈ ચહું દેસ

શ્યામ સેત ગોરી લીયે
જનમત ભઈ અનીત
એક પલ મે ભીર જાતે હૈ
જોગી કાકે મીત”

સુહાગની (રૈન) રાત્રીએ મારી પ્રિયતમા સાથે મારો પ્રથમ મેળાપ થયો. ત્યારે મે તેની સાથે આખી રાત વિતાવી. પ્રિયતમા સાથે આખી રાત જાગવાની તો શું વાત કરું ? ગાઢ પ્રેમે અમારા પર એવું તો આધિપત્ય જમાવ્યું કે અમે બંને એક બીજામા એકાકાર થઇ ગયા.
અમીર ખુશરોની એક રચના “બહુત ખેલે ખેલી” જાણીતી છે. જેમાં સસુરાલ જતી દુલ્હનને સંબોધીને અમીર ખુશરોએ આધ્યાત્મિક વિચારોને વાચા આપી છે. દુલ્હન ખુદાના ભક્તનું પ્રતિક છે. અને સસુરલા ખુદાનું ધર છે. સાજ-સિંગાર, સખીયો દુનિયાની મોહમાયા અને ભૌતિક બંધનો છે. એને છોડીને એકલાજ દુલ્હને સસુરાલ જવાનું છે. દુલ્હનને વિદા કરવા સઘળા સગા સબંધીઓ આવ્યા છે. જેમ માનવીની અંતિમ વિદાઈ સમયે સૌ તેને વિદા કરવા આવે છે. ચાર કહાર દુલ્હનની ડોલીને ઉપાડે છે. જેમ ચાર માનવી જનાજા કે ઠાઠડીને ઉપાડીને લઇ જાય છે. આ વિચારને અમીર ખુશારોએ સુંદર અને અસરકારક શૈલીમાં વ્યક્ત કરેલ છે.

“બહુત રહી બાબુલ ઘર દુલહીન,
ચલ તેરે પી ને બુલાઈ
બહુત ખેલ ખેલી સખિયન સોં
અંત કરી લરકાઈ

ન્હાઈ ઘોઈ કે વસ્તર પહિરે,
સબ હી સિંગાર બનાઈ
વિદા કરન કો સબ આયે
સિગરે લોગ લુગાઈ

ચાર કહારન ડોલી ઉઠાઈ
સંગ પુરોહિત નાઈ
ચલે હી બનેગી હોત કહાં હૈ
નૈનન નીર બહાઈ

અંત વિદા હૈ ચલિ હૈ દુલહિન
કાહુ કી કછુ ના બસાઈ,
મોજ ખુસી સબ દેખત રહ ગયે
માતા પિતા ઔર ભાઈ

મોરિ કૌન સંગ લગિન ધરાઈ
ધન ધન તેરી હૈ ખુદાઈ
બિન માંગે મેરી મંગની જો દીન્હી
પર ઘર કી જો ઠહરાઈ

અંગુરી પકરિ મોર પહુંચા ભી પકરે
કેંગ અંગુઠી પહીરાઈ
નૌશા કે સંગ મોહી કર દીન્હી
લાજ સંકોચ મિટાઈ

સોના ભી દીન્હા, રૂપા ભી દીન્હા
બાબુલ દિલ દરિયાઈ
ગહેલ ગહેલ ડોલતી આંગન મે
પકર અચાનક બૈઠાઈ

બૈઠત મહીન કપરે પહનાયે
કેસર તિલક લગાઈ
‘ખુસરો’ ચલી સસુરાલ સજની
સંગ નહિ કોઈ જાઈ”

અમીર ખુશરોની ઉપરોક્ત રચનામા સંત કબીરની એક રચનાનો પડછાયો દેખાય છે. સૂફી સંતોની વિચારધારામાં રહેલ સામ્યની તે સાક્ષી પૂરે છે. કબીર લખે છે,
” કર લે સિંગાર ચતુર અલબેલી
સાજન કે ઘર જાના હોગા
મીટ્ટી બિછાવન, મીટ્ટી ઓઢાવન
મીટ્ટી સે મિલ જાના હોગા
ન્હા લે ધો લે શીશ ગૂંથા લે
ફિર વહાં સે નહિ આના હોગા ”
એકવાર અમીર ખુસરો બાદશાહ સાથે બંગાળના પ્રવાસે ગયા હતાં. ત્યાં તેમને પોતાના ગુરુ નિઝામુદ્દીન સાહેબના અવસાનના સમાચાર મળ્યા. તેથી તેમણે બાદશાહ પાસે તુરત દિલ્હી જવાની રજા માંગી.બાદશાહે તેમને રજા ન આપી. એક પળનો પણ વિચાર કર્યા વગર તેમણે બાદશાહને સંભળાવી દીધું,
“ હું આ જ પળથી આપની નોકરીમાંથી મુક્ત થાઉં છું.”
અને બાદશાહની ઉંચા પગારની વગદાર નોકરી ત્યાગી તેઓ દિલ્હી પહોંચી ગયા. પણ ત્યારે તો ગુરુને દફનાવી દેવામાં આવ્યા હતાં.એટલે ગુરુની કબર પાસે તેઓ ખુબ રડ્યા. રડતા રડતા તેઓ મૂર્છિત થઈ ગયા. ભાનમાં આવ્યા ત્યારે સૌ પ્રથમ કાર્ય તેમણે પોતાની સમગ્ર મિલકત ગુરુના નામે ગરીબોને વહેચી દેવાનું કર્યું .અને કાળા વસ્ત્રો ધારણ કરી ઝીંદગીના અંતિમ શ્વાસ સુધી ગુરુની મઝારની ખિદમતમા સક્રિય રહ્યા. ઈ.સ.૧૩૨૫ના ઓક્ટોબર માસમા દિલ્હીમાં તેમનું અવસાન થયું. એ સાથે સૂફી પરંપરાના એક યુગનો અંત આવ્યો.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s