ઈબાદત અને ઝકાતનો માસ : રમઝાન :: ડો. મહેબૂબ દેસાઈ

 

 

 ભારતના અનેક ધર્મોના સહઅસ્તિત્વમાં સમાયેલી સમાનતા ઉપવાસ, સૌમ કે રોજા જેવી ધાર્મિક માન્યતાઓમાં પણ દેખાય છે. હિંદુ સમાજમાં શ્રાવણ માસ, જૈન સમાજમાં પર્યુષણ માસ અને મુસ્લિમ સમાજમાં રમજાન માસ આવા સુભગ સમન્વયની સાક્ષી પૂરે છે. ઉપવાસ, રોજા કે સૌમ એ મુખ્યત્વે શરીર અને આત્માની શુદ્ધિનો માર્ગ છે. વર્ષના ત્રણસો પાંસઠ દિવસોમાં માત્ર ત્રીસ રોજા ગુનાઓને ધોવા અને ખુદાની ઇબાદતમાં લીન થવા ઓછા છે. તેથી જ દરેક મુસ્લિમ એ દિવસોમાં નૈતિક મૂલ્યોના આચરણ સાથે નમાજ, જકાત-ખેરાત દ્વારા સવાબ (પુણ્ય) કમાવાનો નિષ્ઠાપૂર્વક યત્ન કરે છે. મુસ્લિમ વકીલ આ માસમાં કેસ લડવાનું કે ચલાવવાનું ટાળે છે. મુસ્લિમ વેપારીઓ ધંધામાં નૈતિકતાને પ્રાધાન્ય આપે છે. આંગણે આવેલ ગરીબ-ગુરબાને પાછા કાઢવાનો આ માસ નથી. પાસપાડોશી, સગાંસંબંધી અને આપણા આશરે જીવતા દરેક માનવીને છુટા હાથે દાન કરવાનો આ માસ છે. માલમિલકત, પૈસા, સોનું-ચાંદી જે કંઇ મુસ્લિમ પાસે હોય તેના સરવાળાના અઢી ટકા જકાત પેઠે કાઢવા દરેક મુસ્લિમ માટે ફરજિયાત છે. જકાત એટલે દાન. એ ઇસ્લામનો સમાન સમાજ રચના માટેનો આગવો સિદ્ધાંત છે. રમઝાન માસમાં જકાત-ખૈરાત આપવામાં કોઇ પણ સાચો મુસલમાન અચકાતો નથી. કારણ કે જકાતમાં મનચોરી એ પાપ છે.

ઇસ્લામમાં રોજા દરેક મુસ્લિમ માટે ફરજીયાત કરવામાં આવ્યા છે. આ અંગે કુરાને શરીફમાં કહ્યું છે,

“તમારા ઉપર રોઝા ફર્ઝ કરવામાં આવ્યા છે. જેવી રીતે તમારી પહેલાના લોકો પર ફર્ઝ કરવામાં આવ્યા હતા”  

રોઝા કે ઉપવાસનો અર્થ સ્પષ્ટ કરતાં શરિયતમાં જણાવવામાં આવ્યું છે,

સવારે સૂરજ ઊગે એ પહેલાંથી અને સૂરજ આથમેં ત્યાં સુધી ખાવાની, પીવાની અને સ્ત્રી સહવાસની પાબંદી સ્વીકારી, ખુદાની ઇબાદતમાં મશગૂલ રહેવું એટલે રોઝો.’

ખુદાએ રોઝા ફર્ઝ કર્યા હોયને રોઝા અંગે અનેક હિદાયાતો કુરાને શરીફ અને હદીસોમાં આપવામાં આવેલા છે. રોઝાની મહત્તા વ્યકત કરતા હઝરત અબુ હરૈરએ કહ્યું છે,

“રોઝા દોઝક (નર્ક)થી બચવાની ઢાલ છે”

“રોઝદાર અપશબ્દ ન બોલે, સંભોગ ન કરે જહાલાતની વાતો ન કરે. જો કોઈ માણસ તેને સાથે લડવા આવે અને અપશબ્દ કહે તો તેને સબ્રથી કહીદે કે મારે રોઝો છે”

હઝરત મહંમદ સાહેબે ફરમાવ્યું છે,  

“જો કોઈ માનવીની સ્ત્રી, બાળકો, જાનમાલ, ઔલાદ અને પાડોશીના હક્કો અદા કરવામાં કઈ ગફલત(ભૂલ) થી જાય તો તે ગફલતના બદલામાં તે રોઝા, નમાઝ અને ખૈરાત (દાન) અદા કરશે તો તેની ગફલત (ભૂલ) ખુદા માફ કરી દેશે”

“જન્નતમાં એક દરવાજો છે જેને ‘રય્યન’ કહેવામાં આવે છે. તેમાંથી કયામતના દિવસે દરેક રોઝદાર જન્નતમાં દાખલ થશે. એ સિવાય કોઈ એ દરવાજામાંથી દાખલ થઇ શકશે નહિ”

“રમઝાન આવે છે ત્યારે દોઝકના દરવાજા બંધ થઇ જાય છે, અને જન્નતના દરવાજા ખુલી જાય છે”

“જે માનવી ઈમાન સાથે સવાબની અપેક્ષાએ લયલતુલ કદ્રની રાતે જાગતો રહેશે, તેના આગલા ગુનાહ માફ થઇ જશે. જે માનવીએ ઈમાન સાથે રમઝાનના રોઝા રાખશે તેના પણ આગલા ગુનાહો માફ થઇ જશે”

“જે માનવી રોઝામાં જુઠ્ઠું બોલવાનું અને તેના પર અમલ કરવાનું ન છોડે, તેનું ખાવાપીવાનું છોડાવાનું   ખુદાને ત્યાં કોઈ જ મહત્વ નથી”

કુરાને શરીફમાં ફરમાવ્યું છે,

“માનવીનું દરેક કાર્ય પોતના માટે છે. અલબત્ત તેના રોઝા મારા (ખુદા) માટે છે. હું પોતે જ તેનો બદલો આપીશ”

હઝરત અનસ કહે છે,

“રમઝાન માસમાં મહંમદ સાહેબે પત્નીઓને ન મળવાની કસમ ખાધી હતી. આપ ૨૯ દિવસ એક જ ઓરડામાં રહ્યા. ૨૯ દિવસ પછી આપ તે ઓરડામાથી બહાર આવ્યા. ત્યારે કોઇ કે પૂછ્યું, ‘આપે તો રમઝાન મહિના દરમિયાન પત્નીઓથી દૂર રહેવાની કસમ ખાધી છે ને” મહંમદ સાહેબે ફરમાવ્યું.’ મહિનો ૨૯ દિવસનો પણ હોય છે”

હઝરત હસન બસરી કહે છે,

“રોઝદાર માટે કુલ્લી કરવી અને પાણીથી  ઠંડક મેળવવી વાંધાજનક નથી”

મહમદ સાહેબે ફરમાવ્યું છે,

“જો રોઝદાર ભૂલથી કઈ ખાઈ લે અથવા પી લે તો રોઝો ન તોડે બલકે તે રોઝો પુરો કરે”

હઝરત અબુ હરૈરએ કહ્યું છે,

“જો રોઝદાર ઉલટી કરે તો રોઝો તૂટતો નથી. કારણ કે અંદરથી નકામો ખોરાક બહાર આવે છે, પેટમાં દાખલ થતો નથી”

ઇસ્લામમાં રમઝાન માસમાં રોઝા રાખવાનું અનેક ગણું આધ્યાત્મિક મહત્વ છે. કારણે કે રમઝાન

માસમાં જ  કુરાને શરીફનું અવતરણ થયું છે. આ ઉપરાંત ખુદાની ઉતરેલી અન્ય તમામ કીતાબોનું અવતરણ પણ રમઝાનમાં જ થયું છે. હઝરત ઇબ્રાહિમ(અ.સ.)અને અન્ય પયગમ્બરોને આ જ માસની પહેલી થી ત્રીજી તારીખ સુધીમાં જ સહીફેનું અવતરણ થયું હતું. સહીફે અન્ય પયગમ્બરો પર ઉતરેલ ખુદાના આદેશનો સંગ્રહ છે. હઝરત દાઉદ(અ.સ.)ને આ જ માસની ૧૨ થી૧૮ તારીખ દરમિયાન “જુબુર”નું અવતરણ થયું હતું. હઝરત મુસા(અ.સ.)ને આ જ માસની ૬ઠ્ઠી તારીખે “તૌરાત”નું  અવતરણ થવો આરંભ થયો હતો. હઝરત ઈસા (અ.સ.)ને આ જ માસની  ૧૨ થી ૧૩ તારીખ  દરમિયાન “ઈંજીલ”નું અવતરણ થયું હતું. એ દ્રષ્ટિએ દરેક મુસ્લિમ માટે રમઝાન માસ અંત્યંત પવિત્ર માસ છે.  

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s