ઇસ્લામ અને રૂઢિવાદ : ડૉ. મહેબૂબ દેસાઈ

મોટે ભાગે ઇસ્લામ ધર્મને રૂઢીવાદી ધર્મ અને તેના અનુયાયીઓને રૂઢીચુસ્ત માનવામાં આવે છે. પણ તે સત્ય નથી. કોઈ ધર્મ જડ કે રૂઢીચુસ્ત નથી હોતો. તેના નિયમોનું અર્થઘટન કરનાર માનવીઓ જ ધર્મને રૂઢીવાદી અને અનુયાયીઓને રૂઢીચુસ્ત બનાવે છે. રૂઢિવાદ શબ્દ આમ તો પશ્ચિમની દેન છે. અને એટલે જ ઓક્સફોર્ડ અને વેબસ્ટર શબ્દ કોશમાં તેના અર્થઘટન સાથે ખ્રિસ્તી ધર્મનું દ્રષ્ટાંત જોડાયેલું છે. રૂઢિવાદ માટે અંગેજીમાં ફન્ડામેન્ટલીઝમ શબ્દ વપરાય છે. તેનો અર્થ આપતા ઓક્સફોર્ડ શબ્દ કોશમાં કહ્યું છે,

“ખ્રિસ્તી દ્રષ્ટિકોણ અનુસાર એ આસ્થા કે જે બાઈબલમાં છે તે જ સત્ય અને ધર્મિક છે. અથવા ચુસ્ત પણે કોઈ પણ ધર્મની શિક્ષા કે નિયમોનું પાલન કરવું”

આ સંદર્ભમાં ઇસ્લામના નિયમોને તપાસીએ તો માલુમ પડશે કે તેમાં કટ્ટરતા કરતા માનવતા વિશેષ છે. ઇસ્લામ એક પ્રાકૃતિક ધર્મ છે. તેણે મનુષ્યના પ્રાકૃતિક ઉમંગો અને મનોકામનાઓ ઉપર કોઈ લગામ નથી મૂકી. જેનું ઉત્તમ દ્રષ્ટાંત રમઝાનની પવિત્ર રાતોમાં પણ ઇસ્લામે માનવીની મનોકામનાઓને ધ્યાનમાં રાખી પતિ-પત્નીના સહશયનને સ્વીકારેલ છે. કુરાને શરીફમાં કહ્યું છે,

“રોઝાની રાતોમાં પોતાની પત્ની સાથે સમાગમ તમારા માટે હલાલ છે. તેણી તમારો પોશાક છે અને તમે તેણીનો પોશાક છો. તમે તમારા આત્માને છેતરતા હતા તેથી ખુદાએ તમોને આ છૂટ આપી છે. એટલે રોજાની રાતોમાં તમારી પત્ની સાથે તમે ખુશીથી સમાગમ કરો અને ખુદાએ તમારા તકદીરમાં જે કંઇ (ઔલાદ) લખ્યું છે તે પામો, મેળવો”

જે મઝહબ પવિત્ર રોઝાની રાતોમાં પણ માનવીની મનોકામનાઓની ઈજ્જત કરી પતિ-પત્નીને સહશયનની છૂટ આપે તેને રૂઢીવાદી ધર્મ કેમ કહી શકાય ?

ઇસ્લામના પાયાના પાંચ સિદ્ધાંતોના અમલીકરણમાં પણ ઇસ્લામે માનવીય અભિગમ ને સ્થાન આપ્યું છે. સૌ પ્રથમ ઇસ્લામ “વહદતે ઇલાહી” અને વહદતે ઇન્સાનિયત” માં દ્રઢપણે માને છે. એટલે કે એક ઈશ્વર અને એક માનવતા. દરેક ધર્મે એકેશ્વરવાદનો સિદ્ધાંત સ્વીકારેલ છે. પણ ઇસ્લામે તો એકેશ્વરવાદ સાથે માનવતાના મૂલ્યનો પણ સ્વીકાર કરેલ છે. એ પછી બીજો સિદ્ધાંત નમાઝ અર્થાત ઈબાદત-ભક્તિનો છે. જેમાં પણ કયાંય રૂઢીચુસ્તા નથી. પાંચ સમયની નમાઝ ઇસ્લામમાં દરેક પુખ્તવયની વ્યક્તિ માટે ફરજીયાત છે. બિમારી કે પ્રવાસના સંજોગોમાં ઇસ્લામે માનવીને તેમાંથી મુક્તિ આપેલ છે. પણ બિમારી કે પ્રવાસમાંથી મુક્ત થયા પછી ચુકી ગયેલી નમાઝો અદા કરવાની તકેદારી મુસ્લિમે રાખવી જરૂરી છે. જકાત અર્થાત દાનના સિદ્ધાંતમાં ઇસ્લામે ફરજીયાત પાબંદી રાખવાનો આદેશ આપ્યો છે. કારણકે તે સમાજના ઉત્થાન અને વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. દરેક મુસ્લિમે પોતાની આવકના અઢી ટકા દર વર્ષે દાન તરીકે કાઢવા ફરજીયાત છે. રોઝા અર્થાત ઉપવાસ દરેક ધર્મમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ઇસ્લામમાં પણ રોઝા દરેક મુસ્લિમ માટે ફરજીયાત છે.અલબત્ત તેમાં પણ ઇસ્લામે માનવીય અભિગમને આવકારેલ છે. કુરાન-એ-શરીફમા કહેવામાં આવ્યું છે,

 “રમઝાન માસમાં કોઈ બીમાર હોય કે મુસાફરીમાં હોય તો તે અન્ય દિવસોમાં જયારે તે તંદુરસ્ત હોય ત્યારે રોઝા રાખી પોતાના રોઝા પૂર્ણ કરી શકે છે”

અને છેલ્લો સિદ્ધાંત હજ અર્થાત ધાર્મિક યાત્રા છે. તે પણ આર્થિક રીતે સક્ષમ મુસ્લિમ માટે જ ફરજીયાત છે. ગરીબ મુસ્લિમની ઈબાદત ઘરના આંગળામાં પણ તેને હજનો સવાબ આપી શકે છે.

એ સિવાય ઇસ્લામનો પ્રચાર, નિકાહ (લગ્ન),વેપાર(તિજારત),વ્યવસાઈ,સંતાનોનું પાલન પોષણ,જીવન વ્યવહાર, વારસાઈ, સ્ત્રીઓના હક્કો જેવી તમામ બાબતો જે સમાજની રચના અને સંસ્કૃતિના ઉત્થાન સાથે સંકળાયેલી છે તેને પણ ઇસ્લામે ઈબાદત અર્થાત ભક્તિનો દરજ્જો આપેલ છે. ઇસ્લામ વાસ્તવમાં નિખાલસતા પસંદ કરે છે. દંભ અને આડંબરની તેમાં મનાઈ છે. હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ)નું પારદર્શક જીવન તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે. પોતે અપનાવેલ સિદ્ધાંતો અને માનવીય મૂલ્યોને તેમણે સાચા હદયથી અપનાવ્યા હતા.અને પોતાના જીવન દરમિયાન તેમણે તેનું સ્વેચ્છિક રીતે તેનું પાલન પણ કર્યું હતું. અને લોકોને પાલન કરવા પ્રેર્યા હતા. લડાઈના દિવસો હતા. સૌ જિહાદ(યુદ્ધ)માં જવા ઉત્સુક હતા. એક યુવાને આવીને મહંમદ સાહેબને વિનંતી કરી,

“હે પયગંબર, હું અલ્લાહને વાસ્તે લડાઈમાં જવા ઈચ્છું છું. મને ઇજાજત આપો”

મહંમદ સાહેબે પૂછ્યું,”તારી માં જીવે છે ?”

“હા”  “તેની સંભાળ લેનાર કોઈ છે ?”

“ના”

“તો જા, તારી માની સેવા કર, કારણ કે તેના ચરણોમાં જન્નત (સ્વર્ગ) છે”

ઇસ્લામમાં ધર્મ પ્રચાર કરવાનો આદેશ છે. પણ તેમાં ક્યાંય બળજબરીને સ્થાન નથી. આમ છતાં મોટેભાગે ઇસ્લામનો પ્રચાર-પ્રસાર તલવારના જોરે થયાની માન્યતા આમ સમાજમાં પ્રચલિત છે. તેના ઉત્તમ દ્રષ્ટાંત તરીકે ઇતિહાસમાં ઔરંગઝેબનો વારંવાર ઉલ્લેખ જોવા મળે છે. પણ બહુ ઓછા લોકો જાણે છે કે ઇસ્લામના ધર્મગ્રંથ કુરાને શરીફમાં આ અંગે ખાસ કહ્યું છે, “લા ઇકરા ફીદ્દીન” અર્થાત ધર્મની બાબતમાં કયારે બળજબરી ન કરીશ.  કુરાને શરીફમાં ધર્મ પ્રચાર માટે ખાસ કહેવામાં આવ્યું છે,

“લોકોને તેમના રબ(ઇશ્વર)ના રાહ પર આવવા કહે ત્યારે તેમને હોશિયારીથી અને સરસ શબ્દોમાં સમજાવ. તેમની સાથે ચર્ચા કરે તો ઉત્તમ અને મધુર શબ્દોમાં કર અને તેઓ જે કંઈ કહે તે ધીરજથી સાંભળ, સહન કર અને જયારે તેમનાથી છૂટો પડ ત્યારે બહુ પ્રેમ અને ભલાઈથી છૂટો પડ.”

“તારું અથવા કોઈ પણ પયગમ્બરનું કામ પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાથી વધારે કંઈ જ નથી. પછી તેઓ મોં ફેરવીને ચાલ્યા જાય તો ભલે જાય. કારણ કે તારું કામ કેવળ તારી વાત સમજાવી દેવા પૂરતું જ હતું.”

ઇસ્લામનો પ્રચાર માનવીય ધોરણે થતા તે અરબસ્તાનની સરહદો વટાવી ગયો હતો. પરિણામે ઇસ્લામનો પ્રચાર જે તે દેશના લોકોની આમ ભાષામાં કરવાના હેતુથી જ હઝરત મહંમદ સાહેબે હઝરત ઝૈદને યહુદીઓની ભાષા શીખવાની સલાહ આપી હતી.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s