આમ સમાજ સાચા “ઇસ્લામ”ને શોધે છે : ડૉ.મહેબૂબ દેસાઈ

વિશાલા ચાર રસ્ત્તાથી જુહાપુરા તરફ જતા ચકોર નજરના પઓની નજર અચૂક એક બોર્ડ પર પડે છે. જેના પર લખ્યું છે, “ભારત દેશનું  જુહાપુરા વિસ્તાર આપનું હાર્દિક સ્વાગત કરે છે” ખરેખર “અમદાવાદ શહેરનો જુહાપુરા વિસ્તાર આપનું હાર્દિક સ્વાગત કરે છે” એમ હોવું જોઈએ. પણ તેના સ્થાને ભારત દેશ લખીને ગર્ભિતપણે આ બોર્ડ “ભારત દેશનો પાકિસ્તાન વિસ્તાર આપનું હાર્દિક સ્વાગત કરે છે” નો અહેસાસ કરાવતું હોય તેમ ભાસે છે. જો કે તેના નીચે નાના અક્ષરોમાં વતન પ્રેમ ને સાકાર કરતી એક સુંદર શાયરી આપવામાં આવી છે. જેના પર રાહદારીઓ કે મુસાફરોનું ઝાઝું ધ્યાન જતું નથી. એ શાયરીમાં લખ્યું છે,

“યે નફરત બુરી ચીજ હૈ

 ન પાલો ઇસે દિલો મેં

 ખાલિસ હૈ નીકલો ઇસે

 ન તેરા ન મેરા, ના ઇસકા ના ઉસકા,

 યે સબ વતન હૈ, બચાલો  ઇસે”

આવા દ્વિભાવના વાળા લખાણો કયારેક આમ સમાજને ગેરમાર્ગે દોરે છે. હઝરત મહંમદ સાહેબે કહ્યું છે,

“જે દેશમાં મુસ્લિમ રહેશે તે દેશને તે વફાદાર રહેશે”

ઇસ્લામના અનુયાયીઓ માટે દેશભક્તિ કે દેશ વફાદારી જેટલી મહત્વની છે તેટલી જ ઈમાનદારી પણ ઇસ્લામના પાયામાં છે. પણ જુહાપુરા વિસ્તારના કેટલાક મુસ્લિમ વેપારીઓ અને બિલ્ડરોમાં ઇસ્લામને શોધવા આમ મુસ્લિમ સમાજ છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યો છે. પણ કડવા અનુભવોએ આમ મુસ્લિમ સમાજને હંમેશા નાસીપાસ કર્યો છે.

૨૦૦૨ પછી ઘેટોઆઈઝેશન (Ghettoision) થવાને કારણે હિંદુ મુસ્લિમ સમાજ રહેણાંકના નિશ્ચિત વિસ્તારોમાં વહેચાઈ ગયો છે. મુસ્લિમ સમાજ અમદાવાદના એકાદ બે વિસ્તારોમાં એકત્રિત થઇ ગયો છે. પરિણામે જગ્યા ઓછી અને માણસો વધુનો ઘાટ ઉભો થયો છે. જુહાપુરા તેનું ઉત્તમ ઉદાહરણ છે.પરિણામે વહેતી ગંગામા સ્નાન કરવા બિલાડીના ટોપ જેમ નાના-મોટા, શિક્ષિત-અશિક્ષિત,જ્ઞાની-અજ્ઞાની અનેક બિલ્ડરો જુહાપુરામા ફૂટી નીકળ્યા છે. પોતાના ટેનામેન્ટ અને ફ્લેટો વેચવા માટે જન્નતને પણ શરમાવે તેવા બ્રોશર બનાવી તે ગરીબ અને મધ્યમ વર્ગના મુસ્લિમોમાં વેચવાની હોડ લાગી છે. કુરાને શરીફમાં કહ્યું છે,

“તારા માલના ખોટા વખાણ ન કરીશ. ત્રાજવાની દંડીને ઠેસ મારી એક તરફ ન કરીશ, એ ગુનાહ છે”

એક હદીસમાં ફરમાવ્યું છે,

“ખુદાએ માપ અને તોલ એ માટે બનાવ્યા છે કે તમે સૌની સાથે ન્યાય સંગત વ્યવહાર કરો. અન્યાય ન કરો. તથા કોઈના હક્ક પર તરાપ ન મારો”

પણ ઇસ્લામના આવા આદેશોની કોને પરવા છે ? અહીંયા તો ઇસ્લામના નામે ગરીબ મધ્યમ વર્ગના માનવીઓને આકર્ષવાની એક પ્રથા પડી ગઈ છે. આચરણમાં ઇસ્લામને મુક્યા વગર બિલ્ડરો-વેપારીઓ પોતાના માલના ખોટા વખાણ કરી અભણ, અશિક્ષિત અને જરૂરતમંદ મધ્યમ વર્ગના માનવીઓને પાતાનો માલ બિન્દાસ પણે વેચી રહ્યા છે. વળી, કેટલાક બિલ્ડરો તો ફ્લેટના પૂરતા પૈસા લઇ લીધા પછી બુકિંગ કરાવનાર મધ્યમ વર્ગના માનવી સાથે ફોન પર વાત કરવાનું પણ ટાળે છે. અને છતાં ગ્રાહક વાત કરવાનો આગ્રહ રાખે તો તેવા મુસ્લિમને અપમાનિત કરતા પણ શરમાતા નથી. વેપારમાં ઈમાનદારીને હંમેશા પ્રાધાન્ય આપનાર હઝરત મહંમદ સાહેબની ઉમ્મતની આ દશા સાચ્ચે જ શરમજનક છે. કેસ બિન સાઈબ મખ્ઝુમી એક વેપારી તરીકે મહંમદ સાહેબનું મૂલ્યાંકન કરતા લખે છે,

“જહાલિયતના એ યુગમાં રસુલે પાક વેપારમાં મારા ભાગીદાર હતા. આપ જેવા  ઉત્તમ અને ઈમાનદાર ભાગીદાર મેં એ પછી ક્યારેય જોયા નથી”

જયારે આજે વેપારમાં ઈમાનદારી કરતા બળ પ્રયોગ વ્યાપક બન્યો છે. હમણાં થોડા દિવસો પહેલા છાપામાં એક સમાચાર વાંચ્યા હતા. એક બિલ્ડરે બંગલો ખાલી કરાવવા ભાડુઆતના લમણા પર પિસ્તોલ મૂકી. અને ત્યારે હઝરત મહંમદ સાહેબના અંતિમ પ્રવચનના શબ્દો મારા મનમાં ઘણની જેમ વાગી રહ્યા હતા.

“હે લોકો, જે કોઈ પાસે પણ માલ કે વસ્તુ અમાનત તરીકે રાખેલ છે, તે તેના માલિકને મૂળ સ્વરૂપમાં પરત કરો અને કયારેય અમાનતમા ખિયાનત ન કરો”

ઇસ્લામિક દાઢીધારી, પાંચ વખતના નમાઝી અને ખુદાના ખોફની મોટી મોટી વાતો કરનાર આવા ધંધાધારી વેપારીઓમાં આમ મુસ્લિમ સમાજ ઇસ્લામને વારંવાર શોધી રહ્યો છે.

આ વલણ માત્ર અઢળક કમાણી કરતા ઉચ્ચ મધ્યમ વર્ગના કેટલાક વેપારીઓમાં જ જોવા નથી મળતુ. પણ જુહાપુરામાં ઘરકામ કરતી કેટલીક ગરીબ મુસ્લિમ મહિલાઓમા પણ આ રોગ પ્રચલિત થયો છે. કામ ઓછું અને નાણા વધુ મેળવવાની નીતિ ઘરકામ કરતી મહિલાઓમાં પ્રસરી છે. મહંમદ સાહબે કહ્યું છે,

“કયારેય કામચોરી ન કરીશ. તારી ફર્ઝ ઈમાનદારીથી અદા કર”

ઘરકામ કરી ગુજરાન ચલાવનાર એક રુકયાબહેન રોજ સવારે આવે ત્યારે અચૂક મને “અસ્સ્લામોઅલ્યકુમ” કહે. પણ જેવું કામ ચીંધો એટલે “મેં અભી આતી હું” કહીને બે ત્રણ કલાક માટે ગુમ થઇ જાય. ઘરકામ ઘરની વ્યક્તિઓ પૂર્ણ કરી નાખે પછી આવે અને “અસ્સ્લામોઅલ્યકુમ” કહી મુસ્લિમ હોવાની પોતાની સાક્ષી પુરાવે. એટલે એકવાર મારે તેમને કહેવું પડ્યું,

“સિર્ફ “અસ્સ્લામોઅલ્યકુમ” કહને સે કોઈ સચ્ચા મુસ્લિમ નહિ બન જાતા. સચ્ચા મુસ્લિમ હંમેશા અપના કામ ઈમાનદારી સે કરતા હૈ” અને બીજે દિવસે એ બહેન કામ છોડીને ચાલ્યા ગયા.

અને છેલ્લે ઇસ્લામમાં વચન પાલન પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. મહંમદ સાહેબ(સ.અ.વ.)એ  અબ્દુલ્લાહ બિન અબી હમસાયના કહેવા માત્રથી ત્રણ દિવસ એક સ્થાને ઉભા રહી વચન પાલનની એક મિસાલ ઉભી કરી હતી. જયારે આજે પાબંદ ઇસ્લામી માનવી પણ વચન પાલનથી પરહેજી કરે છે. એક નમાઝી વૃદ્ધા પોતાનું ઘર વેચવા એક સજ્જન સાથે વાતચીત કરે છે. સોદાના અંતિમ ચરણમાં તેમને પોતાના ઘરે બોલાવે છે. અને જયારે એ સજ્જન પોતાના કુટુંબ સાથે સોદાને અંજામ આપવા આવે છે ત્યારે એ વૃદ્ધા કહે છે,

“સોદા તો એક ઘંટે પહેલે હો ગયા’

માત્ર થોડા વધુ નાણા માટે વચન અને વ્યવહારને નેવે મુકવાની આ પ્રથામાં આમ ઇન્સાન ઇસ્લામને શોધે છે. રખે કોઈ એમ ન માને કે આ માત્ર મુસ્લિમ સમાજની કે જુહાપુરાની જ વાત છે. આ તો સર્વવ્યાપી વ્યથા છે. તેને કોઈ એક ધર્મ કે સમાજ સાથે સબંધ નથી. અને એટલે ખુદા-ઈશ્વરને સાચા અર્થમાં માનનાર બંદો નિરાશ થતો નથી. તેને અવશ્ય આશા છે કે આવા યુગમાં પણ એક દિવસ સાચા ઇસ્લામ સાથે સમાજની ભેટ થશે. અને ત્યારે આમ સમાજના ઉપરોક્ત અનુભવો ઇસ્લામની રોશનીમાં ઓગળી જશે-આમીન.  

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s