ઇસ્લામમાં અહિંસા અને શાંતિ : ડો. મહેબૂબ દેસાઈ

 ઇસ્લામ શબ્દ અરબિક ભાષામાંથી ઉતારી આવ્યો છે. અરબી ભાષાના મૂળ શબ્દ સલામ પરથી ઉતરી આવેલા આ શબ્દનો અર્થ થાય છે શાંતિ, સમર્પણ અને ત્યાગ. ઇસ્લામના ધર્મ ગ્રંથ “કુરાન-એ-શરીફ”મા પણ ઠેર ઠેર એ જ વાતનો ઉલ્લેખ તેમાં જોવા મળે છે. કુરાને શરીફ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર “વહી” (ઈશ્વરીય સંદેશ) ખુદાના સંદેશાઓનો સંગ્રહ છે. આ સંગ્રહમાં માત્ર ધાર્મિક બાબતો નથી, પણ તે સમગ્ર માનવજાતને જીવન જીવવાની કળા શીખવતો ગ્રંથ છે. પ્રેમ, દયા, કરુણા, અહિંસા, નીતિમત્તા, સત્ય, સમભાવ, ભાઈચારો, પાડોશીધર્મ અને સર્વધર્મ સમભાવ જેવા અનેક વિષયો અને કથાઓ આ ગ્રંથમાં છે. ઇસ્લામ જેના માટે વિશેષ ચર્ચામાં રહ્યો છે તે જિહાદ અને કુરબાની જેવા વિષયો અંગે પણ સ્પષ્ટ આદેશો તેમાં આપવામાં આવ્યા છે.

હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર રમજાન માસમાં ઉતરેલ પ્રથમ વહી શિક્ષણ અને જ્ઞાનના મહત્ત્વને વ્યકત કરે છે. તેમાં કયાંય હિંસાનો ઇશારો સુઘ્ધાં નથી. એ પ્રથમ વહીમાં ખુદાએ મહંમદસાહેબ (સ.અ.વ.)ને કહ્યું હતું,

પઢો-વાંચો પોતાના ખુદાના નામે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદમાંથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે નહોતો જાણતો,જેનાથી તે અજ્ઞાન હતો, તે બધું તેને શીખવ્યું છે.”

કુરાને શરીફનો આરંભ “બિસ્મિલ્લાહ અરરરહેમાન નિરરહિમ”થી થાય છે. જેનો અર્થ થાય છે,

“શરૂ કરું છું અલ્લાહના નામે જે બેહદ મહેરબાન અને દયાળુ છે.”

કુરાને શરીફમાં પ્રેમ, કરુણા, અહિંસાને લગતી આયાતો ઠેર ઠેર જૉવા મળે છે. જેમ કે,

“ખુદા ક્ષમાશીલ અને પ્રેમાળ છે. એવું એક પણ પ્રાણી આ પૃથ્વી પર નથી કે જેની આજીવિકાનો ભાર ખુદા પર ન હોય, તે પ્રાણીમાત્રના નિવાસ અને અંતિમ વિશ્રામધામને જાણે છે.”

“અને ખુદા તમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખવા ઇરછે છે, પણ શુદ્ર, વાસનાઓની પાછળ ભટકનાર લોકો તમે આડે માર્ગે જઈને ખુદાથી દૂર ચાલ્યા જાવ છો.”

“ધરતી પર ફસાદ ઉત્પન્ન ન કરો. અલ્લાહને પુકારતા રહો નિશ્ચિત અલ્લાહની કૃપા સારા ચારિત્ર્યવાળા લોકોની સમીપ છે.”

“જે કોઈ રજમાત્ર પણ નેકી (સદ્કાર્ય) કરશે અને જે રજમાત્ર પણ બુરાઈ કરશે, તેને સૌને ખુદા જૉઈ રહ્યો છે. તારો રબ(ખુદા) એવો નથી કે તે વિનાકારણ વસ્તીઓને નષ્ટ કરે.”

“અલ્લાહને શું પડી છે કે તે તમને અકારણ યાતનાઓ આપે? જૉ તમે કૃતજ્ઞતા દેખાડતા રહો અને શ્રદ્ધાથી નીતિના માર્ગે ચાલતા રહો.”

“અને જો તમે લોકોથી બદલો લો તો બસ એટલો જ લો જેટલી તમારી ઉપર બળજબરી કરવામાં આવી હોય, પરંતુ જો સબ્ર રાખો તો તે ખુદાને વધારે પસંદ છે.” 

“તેઓ જે સદ્કાર્યો કરે છે તેની કદર કરવામાં આવશે. અલ્લાહ સંયમી લોકોને સારી રીતે ઓળખે છે.

જયારે તમને કોઈ સલામ કરે તો તમે પણ તેને અત્યંત સારા શબ્દોમાં જવાબ વાળો. અથવા જેવા શબ્દો તેણે કહ્યા છે તેવા જ શબ્દોમાં જવાબ વાળો. અલ્લાહ દરેક બાબતોનો નિગેહબાન છે.”

“શેતાન માત્ર એટલું જ ઇરછે છે કે દારૂ અને જુગાર દ્વારા તમારી વરચે દુશ્મનાવટ અને વેરભાવના ઉત્પન થાય. તમને અલ્લાહની યાદ અને નમાજથી અટકાવે. શું તમે અટકી જશો?

આવી પ્રેમ, શ્રધ્ધા, કરુણા અને અહિંસાની શીખ આપતી કુરાને શરીફની આયાતોને હઝરત મહંમદ સાહેબે પોતાના જીવનમાં આચારમાં પણ મૂકી હતી.

અને એટલેજ મહંમદ સાહેબના અંગે ગાંધીજીએ કહ્યું છે,

મહંમદ(સલ.) પણ ભારે કળાકાર કહેવાય. તેમનું કુરાન અરબી સાહિત્યમાં સુંદરમાં સુંદર છે. પંડિતો પણ તેને એવું જ વર્ણવે છે. એનું કારણ શું? કારણ એ જ કે તેણે સત્ય જોયું અને સત્ય પ્રગટ કર્યું”

ઇસ્લામમાં માંસાહાર તેની સંસ્કૃતિના ભાગ તરીકે સ્વીકારવામાં આવે છે. કારણ કે અરબસ્તાનો રેતાળ પ્રદેશ એ સમયે ઉપજાવ ન હતો. ત્યાં શાકભાજી, ફળફળાદી કે અન્ય કોઈ વનસ્પતી ઉત્પન થતી ન હતી. પરિણામે માનવ સમાજને ટકી રહેવા ફરજીયાત માંસાહાર કરવો પડતો હતો. પણ તેનો બિલકુલ એવો  અર્થ નથી થતો કે ઇસ્લામ માંસાહાર દ્વારા હિંસાને પ્રાધાન્ય આપે છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં ઠેર ઠેર અહિંસા અને શાંતિને વિશેષ મહત્વ આપવામાં આવેલ છે. લા ઇકરા ફીદ્દીન  અર્થાત

“દુનિયામાં ફસાદ કયારેય ફેલાવશો નહી” એવા કુરાને આદેશ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે,

“પરસ્પર ઝગડો ન કરો સંતોષમાં જ સુખ છે”

સમાજમા વ્યાપક બનતી જતી અશાંતિના મૂળમાં એકબીજા પ્રત્યેની પ્રસરી રહેલ નફરત જવાબદાર છે. કુરાને શરીફમાં કહ્યું છે,

“ન તો તમે કોઈનાથી નફરત કરો, ન કોઈ પર જુલમ કરો. ખુદા જુલમ કરનારથી નાખુશ છે”

શાંતિમય સહ અસ્તિત્વના સિદ્ધાંતના પ્રખર પ્રચારક સમા કુરાને શરીફમાં માનવીય અભિગમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

“જેણે કોઈને જીવ બચાવ્યો, તેણે સંપૂર્ણ માનવજાતિને જીવતદાન આપ્યું”

આવી શાંતિ અને અહિંસાના પુરસ્કર્તા હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ જીવનના અંતિમ દસ વર્ષોમા ચોવીસ યુધ્ધોમાં સરસેનાપતિ તરીકે લશ્કરને માર્ગદર્શન આપ્યું હતું. પરંતુ તેમના સરસેનાપતિ તરીકેના નેતૃત્વનો મુખ્ય ઉદેશ રક્ષણાત્મક હતો. તેમના દરેક યુધ્ધો આક્રમક નહિ, રક્ષણાત્મક હતા.

પંડિત સુંદરલાલજી મહંમદ સાહેબ (સ.અ.વ.)ના આવા અહિંસક અભિગમની નોંધ લેતા લખે છે,

“અસીમ ધેર્ય, શાંતચિત્ત, સહિષ્ણુતા અને શાલીનતા એ મહંમદ સાહેબના અહિંસક અભિગમના પાયામાં હતા.”

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s