ધર્મ અને સમાજ :ડો. મહેબૂબ દેસાઈ

વ્યક્તિ સામાજિક પ્રાણી છે. પણ તેને માનવી બનાવવાનું કાર્ય ધર્મ કરે છે. સંસ્કૃત ના એક શ્લોકમાં કહ્યું છે, “આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એ ચારે વૃત્તિઓ માનવી અને પશુમાં સરખી છે. પણ ધર્મ માણસને પશુથી અલગ પાડે છે.”અર્થાત પશુથી માણસને જુદો પાડનાર ભેદરેખા તે ધર્મ છે. નદી કિનારે બેસીને સ્નાન કરતા એક સાધુ નદીમાં તણાતા એક વીંછીને પાણીના પ્રવાહમાં તણાતા રોકવા વારંવાર તેને પકડી પાણીથી દૂર કરતા હતા. અને એ વીંછી વારંવાર ડંખ મારતો હતો. કોઈએ એ સાધુને તેમના આવા ગાંડપણ અંગે કહ્યું,

“એ વીંછીને આપ શા માટે વારંવાર છેડો છો ?” સાધુએ વીંછીના ડંખની પીડાને સહેતા કહ્યું,

“આવો નાનકડો જીવ પણ તેનો સ્વભાવ છોડતો નથી તો પછી હું તો માનવી છું. હું મારો તેને બચાવવાનો માનવીય ગુણ કેવી રીતે છોડી શકું ?”

ધર્મ માનવીને સાચા અર્થમાં માનવી બનાવે છે. પણ ધર્મનો દેખાડો અનિવાર્ય નથી.તેને ઘરની બહાર લાવી તેનું અવમુલ્યન કરવું જરૂરી નથી. કારણ કે ધર્મ એ વ્યક્તિની અત્યંત અંગત બાબત છે. વ્યક્તિને જીવનમાં બે બાબતો ઈશ્વર-ખુદા દ્વારા મળે છે. તે બે બાબતોની પસંદગી વ્યક્તિ કયારેય કરી શકતો નથી. અને તે છે માતા-પિતા અને મઝહબ. વ્યક્તિને તેના માતા-પિતા જન્મદત્ત મળે છે. માનવી કયારેય તેની પસંદગી કરી શકતો નથી. ઇસ્લામમાં તો દત્તક પુત્ર લેવાના સિધ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કુરાને શરીફમાં કહ્યું છે,

“કહેવા માત્રથી કોઈ વ્યક્તિ તમારા મારા-પિતા થઈ જતા નથી.” એજ રીતે માનવી જ્યાં જન્મે છે તે મઝહબ તેને વારસામાં મળે છે. એ મઝહબને તે બદલી શકતો નથી. અને બદલે તો પણ તેના સારા નરસા સંસ્કારો જીવનપર્યંત તેની સાથે જોડાયેલા રહે છે. એ દ્રષ્ટિએ મઝહબ કે તેના સંસ્કારો માનવી સાથે તેની ત્વચા બની જોડાયેલા રહે છે. જેમ ત્વચા વ્યક્તિની અંગત બાબત છે તેમ મઝહબ પણ વ્યક્તિની અંગત બાબત છે. પણ જયારે વ્યક્તિ પોતાના મઝહબને સાર્વજૈનિક બનાવે છે ત્યારે જ સામાજિક અને રાજકીય પ્રશ્નો સર્જાયા છે.

વળી, દરેક માનવી માને છે કે તેનો મઝહબ શ્રેષ્ટ છે. જો કે એ માન્યતામાં કશું ખોટું નથી.દરેક મઝહબ શ્રેષ્ટ છે.તેની શ્રેષ્ટતાને સાહજિક રીતે સ્વીકારવી જોઈએ. તેને માન આપવું જોઈએ. તેનો જીવનમાં અમલ કરવો જોઈ.  પણ જયારે માનવી પોતાના મઝહબની શ્રેષ્ટતા સાબિત કરવા સંઘર્ષ કરે છે. તેની શ્રેષ્ટતા અન્ય પર લાદવાનો દુરાગ્રહ કરે છે ત્યારે જ અશાંતિના મૂળ નંખાય છે. વળી, માનવી પોતાના મઝહબને શ્રેષ્ટ માને ત્યાં સુધી કોઈ જ સમસ્યા નથી. પણ પોતાની શ્રેષ્ટતા સાથે અન્યના મઝહબને કનિષ્ઠ માનવાની વૃતિ જ માનવ માનવ વચ્ચેના સંબંધોમાં કલહ ઉત્પન કરે છે. “મારો મઝહબ શ્રેષ્ઠ છે, આપનો મઝહબ પણ શ્રેષ્ઠ છે” એમ માનવાની માનવ વૃતિ સમાજમાં કેળવવાની આજે તાતી જરૂર છે.

૧૯૯૧ના ઓક્ટોબરમાં મેં કલકત્તામાં આવેલ બેલુર મઠની મુલાકાત લીધી હતી.ત્યારે આસપાસ કોઈ મસ્જિત ન હોઈ મેં મઠના સ્વામીજીને પૂછ્યું હતું,

“સ્વામીજી, આવતી કાલે શુક્રવારની નમાઝ હું બેલુર મઠના ધ્યાન ખંડમાં પઢી શકું ?”

મારો પ્રશ્ન સંભાળી બેઘડી તો આસપાસ બેઠેલા સાધુ-સાધવીઓમાં સોપો પડી ગયો. પણ સ્વામીજીએ અંત્યત સહજતાથી કહ્યું,

“મહેબૂબભાઈ, ધ્યાનખંડ ઈશ્વર-ખુદાની પ્રાર્થના માટે જ બનાવવામાં આવ્યો છે. તે સર્વ માટે ખુલ્લો છે.” અને તે દિવસે મેં શુક્રવારની નમાઝ બેલુર મઠના ધ્યાન ખંડમાં પઢી. સમગ્ર નમાઝ દરમિયાન એક સ્વયંસેવક મારી આગળથી કોઈ પસાર ન થાય તેની તકેદાર રાખતો ઉભો રહ્યો. કારણ કે નમાઝ સમયે નમાઝ પઢનારની આગળથી પસાર થવાથી નમાઝની રકાત ખંડિત થઈ જાય છે. આવી અન્ય ધર્મ પ્રત્યેની ઈજ્જત જ સમાજમાં શાંતિ અને એખલાસ સ્થાપે છે.

મારા ઘરના આંગળામાં હું રોજ સવારે આંટા મારતો હોઉં છું. એ સમયે ઘર પાસે થી પસાર થતા દરેક માનવીને તેની ધાર્મિક પરિભાષામાં અભિવાદન કરવાનું ચૂકતો નથી. કોઈ જૈનધર્મી વડીલ નીકળે તો “જય જીનેન્દ્ર” કહું છું. રાજપૂત વડીલને “જય માતાજી”, તો સ્વામીનારયણ સંપ્રદાયના અનુયાયીને “જય સ્વામીનારયણ” અચૂક કહું છું. પરિણામે મારા આ સંબોધનોની એવી અસર થઈ કે ગમેતે સંપ્રદાયના અનુયાયી હોય પણ મારા અભિવાદનના જવાબમા સૌ મને “સલામુઅલ્યાકુમ” કહેવા લાગ્યા.

આ ઘટના સૂચવે છે કે અન્યના મઝહબ અને સંસ્કારોને તમે માન આપશો તો આપો આપ તે તમારા મઝહબ અને તમને પ્રાપ્ત થશે. મસ્જિતમાં નમાઝ પઢવામાં માટે વઝું અનિવાર્ય છે. તો પછી મંદિરમાં પ્રાર્થના માટે પ્રવેશતા પૂર્વે હાથ મો ધોઈ પવિત્ર થવાની ક્રિયા શા માટે ન સ્વીકારી જોઈએ ? પવિત્ર સ્થાન માટે ના નિયમો બધા માટે સરખા હોવા જોઈએ. અને તો જ દરેક ધર્મ અંગે માન અને પવિત્રતા સમાન રીતે સમાજમાં સ્થાપિત થશે.

ટૂંકમાં મઝહબ વ્યક્તિની અંગત બાબત છે. તેને તમારા ઘર અને અંગત જીવન વ્યવહાર સાથે સંબધ છે. પણ જો તેને બહાર કાઢો તો સૌ પ્રથમ શરત એ છે કે અન્યના મઝહબને ઈજ્જત બક્ષો. તેનું માન જાળવો. અને એ પછી તમારા મઝહબ માટે માનની અપેક્ષા રાખો.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s