ભીમજી પારેખ : ગાંધીયુગ પૂર્વેનો સત્યાગ્રહી : ડૉ. મહેબૂબ દેસાઈ


ગુજરાતના બંદરીય ઇતિહાસમાં ભીમજી પારેખ (૧૬૧૦-૧૬૮૦)નું નામ મોખરે છે. ભીમજી પારેખ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હતા. પણ તેમના પૌત્ર જગન્નાથ દાસે જૈન કન્યા સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ

તેમના વંશજોએ જૈન ધર્મ અપનાવ્યો હતો. સુરત બંદરને વિકસાવનાર ભીમજી પારેખ અને વીરજી વોરા (૧૫૮૫-૧૬૭૦) બંને મિત્રો હતા. ગુજરાતના મોટા દરિયાઈ વેપારી તરીકે ભીમજી પારેખના અનેક વહાણો  હિંદી મહાસાગરમા ઘૂમતા હતા. જેમ ગુજરાતના બંદરીય વેપારી વીરજી વોરાએ સમગ્ર હિંદમાં ચા અને કોફીને લોકપ્રિય બનાવ્યા હતા. એ જ રીતે ભીમજી પારેખે ગુજરાતમાં સૌ પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ સ્થાપવાના ઈ.સ. ૧૬૭૨મા મરણીયા પ્રયાસો કર્યા હતા. એ માટે તેમણે તેમના અંગ્રેજ મિત્રોની મદદથી લંડનના પ્રિન્ટીગ ટેકનોલોજીસ્ત હેન્રી હિલ્સનો સંપર્ક સાધ્યો હતો. અને તેણે ગુજરાતમા પ્રિન્ટીગ પ્રેસ સ્થાપવા સવેતન નિમંત્રણ પાઠવ્યું. તે સુરત આવ્યો અને પ્રેસ સ્થાપવાની શરૂઆત કરી હતી. લોખંડના બીબામાં તેણે ગુજરાતી શબ્દો કોતરવા માંડ્યા. પણ તેના એક મિત્ર ડૉ. જોહન ફાયરે તેને તેમ કરતા અટકાવ્યો અને કહ્યું,

“આમ કરવાથી ગુજરાતી વેપારીઓ અંગ્રેજો સામે બમણા વેગથી વેપારી સ્પર્ધા કરશે”

પરિણામે હેન્રી હિલ્સને તેના કાર્યના પૂરતા નાણા મળતા હોવા છતાં તે પોતાનો કરાર પુરો કર્યા વગર જ લંડન જતો રહ્યો. આમ ભારતમાં સૌ પ્રથમ ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ નાખવાના ભીમજી પારેખના અરમાનો અધૂરા રહી ગયા. આ જ કરોડપતિ ભીમજી પારેખને ગાંધી યુગ પૂર્વેના સત્યાગ્રહી બનવાનું માન પ્રાપ્ત થયું છે. એ ઘટના પણ ગુજરાતના ઇતિહાસનું વણ લખાયેલું અને સૌથી અજાણ પ્રકરણ છે. 

ઈ.સ ૧૬૬૯મા ભારતમાં મુઘલ શાસન હતું. દિલ્હીમાં ઔરંગઝેબ બાદશાહ હતો. તેની ધર્માંધ શાસક તરીકેની છાપ સમગ્ર હિંદમાં પ્રસરેલી હતી. પરિણામે તેને ખુશ કરવા કાઝી,મૌલવી અને ઇસ્લામ ધર્મના વડાઓ સતત પ્રયત્નશીલ રહેતા. એ જ અરસામાં સુરતમાં પણ એવી જ એક ઘટના બની. સુરતમા બાદશાહ ઔરંગઝેબને ખુશ કરવા એક કાઝીએ બે હિંદુ અને એક જૈન વેપારીને વટલાવી તેમને ઇસ્લામ અંગીકાર કરાવ્યો. તેના કારણે એક જણે આત્મહત્યા કરી.તેના પડઘા આખા સુરતમાં પડ્યા. શહેરમાં હાહાકાર મચી ગયો. અને સુરતની પ્રજાએ ભીમજી પારેખ અને વીરજી વોરાના નેતૃત્વમાં સત્યાગ્રહ આરંભ્યો. વીરજી વોરા એ સમયે ઘણાં વૃદ્ધ હતા. એટલે સમગ્ર સત્યાગ્રહની નેતાગીરી ભીમજી પારેખે લીધી. વ્યાપારી મહાજનો, કારીગરોના પંચો અને આમ પ્રજા એકત્રિત થયા. અને ભીમજી પારેખે “સુરત બંધ”નું એલાન આપ્યું. નગરની તમામ દુકાનોને તાળા લાગી ગયા. હંમેશા વેપારથી ધમધમતું બંદર સુમસામ બની ગયું. ઔરંગઝેબને ખુશ કરવાની ધાર્મિક વડાઓની નીતિનો શાંતિ પૂર્ણ માર્ગે સખત વિરોધ થયો. સુરતની પ્રજાએ પોતાના શાંતિ પૂર્ણ વિરોધ દ્વારા પોતાની શક્તિનો પરચો મુઘલ શાસકોને બતાવી દીધો. ૯ જુલાઈ ૧૬૬૯ના રોજ સુરતીઓએ સપૂર્ણ હડતાલ પાડી. ત્રણ મહિના ચાલેલ આ સત્યાગ્રહને નજરો નજર નિહાળનાર સુરતની કોઠીના પ્રમુખ જીરાલ્ડ ઔગિયરે તેનો અહેવાલ લંડન સ્થિત ઈસ્ટ ઈન્ડીયા કંપનીના સંચાલક મંડળને મોકલતા લખ્યું,

“સુરતમાં લાંબા સમયથી તાળાબંધી પ્રવર્તે છે. હડતાલને લીધે ટંકશાળ અને કસ્ટમ હાઉસ સુના પડ્યા છે. શાકભાજી અને અનાજ કરિયાણું મળવું અશકય બન્યું છે. જે સુરત બંદર વેપારી પ્રવૃતિઓથી ધમધમતું હતું તે સ્મશાન જેવું શાંત બની ગયું છે. આપણો અને ડચ લોકોનો વેપારધંધો પણ ખોરવાઈ ગયો છે. નુરુદ્દીન કાઝી અને ઔરંગઝેબ મુઝવણમાં મુકાયા છે”

ત્રણ માસ ચાલેલ આ શાંત હડતાલની પરાકાષ્ટા તો ત્યારે આવી જયારે સુરતના ૮૦૦૦ વેપારીઓ

૨૪-૯-૧૬૬૯ના રોજ સુરતથી હિજરત કરી ભરુચ ચાલ્યા ગયા. ભરૂચના પ્રગતિશીલ વહીવટકર્તા અને વેપારીઓએ તેમને આવકાર્ય. અને ધર્મ પરિવર્તન કરાવનાર સુરતના કાઝી નુરુદ્દીનને એક પત્ર પાઠવ્યો. જેમા લખ્યું હતું,

“મુઘલોની જાહોજલાલી આ વેપારીઓ અને તેમના વેપારને લીધે છે. ધર્મના આડંબરો કરતા લક્ષ્મી વધારે મહત્વની છે”

હડતાલ લાંબો સમય ચાલતા છેક દિલ્હી સુધી વાત પહોંચી. ઔરંગઝેબ ધર્મ ચુસ્ત હતો પણ ધર્માંધ ન હતો. અત્યંત ધર્મપરાયણ અને મૂલ્યનિષ્ઠ ઔરંગઝેબ પાંચ વકતનો પાબંદ નમાઝી હતો. ઇસ્લામના સિદ્ધાંતો પ્રમાણે જ શાસન કરવાનો તેનો આગ્રહ જાણીતો છે. તેની મૂલ્યનિષ્ઠા ભલભલા આલીમોને શરમાવે તેવી હતી. તેણે સમગ્ર ઘટનાની તપાસ કરવા સુરત ખાસ અધિકારીઓને મોકલ્યા. તપાસને અંતે તેને  જાણવા મળ્યું કે કાઝી નુરુદ્દીનને બાદશાહને માત્ર ખુશ કરવા જ આવું બેજવાબદાર કાર્ય કર્યું છે. પરિણામે ઔરંગઝેબે એક ખાસ ફરમાન બહાર પાડ્યું. જેમાં સુરતની પ્રજાજોગ સંદેશ આપતા કહેવામાં આવ્યું હતું,

“તમે બધા શાંતિથી વેપારધંધો કરો. અને નિર્ભય રીતે સુખચેનથી રહો. હવે પછી આવો કોઈ અપરાધ મારા રાજ્યમાં નહિ થાય તેની ખાતરી રાખજો” 

બાદશાહના ફરમાન પછી હિજરત કરી ભરુચ ગયેલા તમામ વેપારીઓ સુરત પરત આવ્યા. અને સુરતમાં પુનઃ વેપારધંધાનો સુખરૂપ આરંભ થયો. સુરત શહેર અને તેના નગરજનોની આ ખુમારીએ  જ તેના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેના પાયામાં ભીમજી પારેખ જેવા અહિંસાના ચાહક અને વિકાસશીલ વેપારીઓ છે. ગાંધીજીના જન્મ પૂર્વે ૨૦૦ પહેલા ગાંધી માર્ગે સત્યાગ્રહ કરનાર ભીમજી પારેખને અલબત્ત ગુજરાતના ઇતિહાસમાં હજુ કોઈ ઝાઝું ઓળખતું નથી. પરિણામે તેમનું પ્રદાન ગુજરાતની આમ પ્રજા સુધી નથી પહોંચ્યું. પણ તેથી તેમના સામાજિક કે આર્થિક પ્રદાનનું મુલ્ય જરા પણ ઓછું થતું નથી.  

Leave a comment

Filed under Uncategorized

Leave a comment