દારા શિકોહ રચિત મજ્મ ઉલ બહરૈન : ડો. મહેબૂબ દેસાઈ

છેલ્લા બે સપ્તાહથી સિમલાની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીમા છું. જેમ સિમલા કુદરતી સોંદર્યનું સ્વર્ગ છે, બરાબર એમ જ ત્યાની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડી સંશોધકો માટે સ્વર્ગ સમાન છે. અહીની વિશાળ અને સમૃદ્ધ લાઇબ્રેરી જોવા, જાણવા અને માણવા જેવી છે. વાઇસરોય હાઉસના વિશાળ અને ભવ્ય મકાનમાં આવેલા તેના ગ્રંથાલયમાંથી મને સૂફી સંત દારા શિકોહે લખેલ મહાન ગ્રંથ “મજ્મ ઉલ બહરૈન” અર્થાત “સમુદ્ર સંગમહ”નો જગન્નાથ પાઠકે સંસ્કૃત અને હિંન્દીમાં કરેલો અનુવાદ મળી આવ્યો. મૂળ આ ગ્રંથ દારા શિકોહે ફારસીમાં લગભગ ઈ.સ. ૧૬૫૦ થી ૧૬૫૬ દરમિયાન લખ્યો હતો. ઇસ્લામ અને હિંદુ ધર્મના મૂળભૂત તત્વજ્ઞાનનું આટલું તુલનાત્મક અધ્યયન અને સંસોધન આ પહેલા કોઈએ કર્યું નથી. આ ગ્રંથ અંગે ડૉ. કાનૂનગો લખે છે,
“દારા શિકોહ દ્વારા ઇસ્લામ અને હિંદુ ધર્મના અધ્યયનનું આ મીઠું ફળ છે. દારા શિકોહ જેવો શાહજાદો વિશુદ્ધ શાસ્ત્રીય શૈલીમાં બંને ધર્મોની સુંદર છણાવટ કરે છે. ગ્રંથનો આરંભ ઈશ્વર-ખુદાની સ્તુતિથી થાય છે. એ પછી મહંમદ સાહેબ (સ.અ.વ.) અને તેમના પરિવાર માટે કલ્યાણ અને શાંતિની પ્રાર્થના કરવામા આવેલ છે. એ પછી દારા શિકોહ કહે છે,
‘ હિંદુ અને ઇસ્લામ ધર્મના સંતો મૌલવીઓના સતત સંપર્ક અને ગોષ્ઠીના અંતે હું એટલું જાણી શક્યો છું કે બંને ધર્મમાં માત્ર એક શબ્દનો જ ભેદ (એખ્લાફેલબ્ઝી) છે.”
અર્થાત હિંદુ ધર્મ જેને ઈશ્વર કહે છે ઇસ્લામ તેને ખુદા કહે છે. એ સિવાય બંનેના તત્વજ્ઞાનમા કોઈ જ ભેદ નથી.
મોગલ શાસક અકબર પછી દારા શિકોહ એ જ હિંદુ મુસ્લિમ વચ્ચે ધાર્મિક એકતા સ્થાપિત કરવા સધન પ્રયાસો કર્યા હતા. પણ તેની વિચારધારા અકબરથી ભિન્ન હતી. અકબરે દીનેઈલાહી ધર્મની સ્થાપના દ્વારા કોમી એખલાસ સ્થાપવા પ્રયાસ કર્યો હતો. જ્યારે દારા શીકોહનું માનવું હતી કે ,
“કોઈ પણ નવીન ધર્મનો વિકાસ કરવો નિરર્થક છે. કારણ કે તે હિંદુ અને મુસ્લિમ બંને માટે અસ્પષ્ટ અને અસ્વીકાર્ય બનશે. પણ બંનેના તુલનાત્મક અધ્યયન દ્વારા અવશ્ય પ્રેમ અને એખલાસ સ્થાપી
શકાશે”
અને એ જ હેતુને સાકાર કરતો ગ્રંથ “મજ્મ ઉલ બહરૈન” તેણે લખ્યો. સૂફીઓના કદારીયા સીલસીલાના અનુયાયી દારા શિકોહના આ ગ્રંથમાં સૃષ્ટિવાદના એ મૂળભૂત સિધ્ધાંતોનું સંકલન કરવામાં આવ્યું છે જેમાં હિંદુ અને ઇસ્લામ ધર્મમાં સમાનતા દ્રષ્ટિ ગોચર થાય છે. તેણે તેની ભૂમિકામાં લખું છે,
“બંને જાતિઓના ચુનીંદા લોકો માટે તેણે આ પુસ્તક લખ્યું છે. જેઓ ધર્મને આત્માની શુદ્ધિનું માધ્યમ માને છે”
ગ્રંથના આરંભમાં આપવામાં આવેલી રૂબાઈ દારા શિકોહની આધ્યાત્મિક ઊંચાઈને અભિવ્યક્ત કરે છે.
“એ જ પડોશી, સહયાત્રી અને સાથી બધું જ છે. ભીખારીઓની ગોદડી અને રાજાના ભવ્ય પરિધાનમાં પણ એ જ છે. ઊંચ અને રહસ્યમય વિચારોના ગર્ભમાં પણ એ જ છે અને ઈશ્વરના શપથ અને ખુદાની સૌગંદમા પણ એ જ છે.”

આ ગ્રંથમાં કુલ ૨૧ તાત્વિક બાબતો વિશે દારા શિકોહે વિસ્તૃત ચર્ચા કરેલ છે.જેમાં ૧. તત્વોની વ્યાખ્યા ૨. ઇન્દ્રિયોનું નિરૂપણ ૩. ધ્યાનનું નિરૂપણ ૪. પરમેશ્વરના ગુણગાન ૫. રૂહ-આત્માનું નિરૂપણ
૬. પ્રાનાદીની નિરૂપણ ૭. એકાત્મવાદનું નિરૂપણ ૮. રહમતની વ્યાખ્યા ૯. નૂરનું નિરૂપણ ૧૦. ખુદા કે ઈશ્વરના દર્શનનું નિરૂપણ ૧૧. ઈશ્વરના નામોનું નિરૂપણ ૧૨. સીધ્ધ્ત્વ અને ઋષિત્વનું નિરૂપણ
૧૩. બ્રહ્માંડનું નિરૂપણ ૧૪. દિશાઓનું નિરૂપણ ૧૫. આકાશોનું નિરૂપણ ૧૬. પૃથ્વીનું નિરૂપણ
૧૭. પૃથ્વીઓના વિભાગોનું નિરૂપણ ૧૮. જન્નત દોજખનું નિરૂપણ.

રૂહ-આત્માના પ્રકરણમાં દારા શિકોહ લખે છે,
“રૂહ બે પ્રકારની છે. ભારતીય ચિંતકો તેને આત્મા અને પરમાત્મા કહે છે. ઇસ્લામમાં રૂહ શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારની હોય છે. જે રીતે જળ અને તેના તરંગો વચ્ચે અનંત સબંધ છે. તેવી જ રીતે શરીર અને આત્મા વચ્ચે અનંત સબંધ છે.”
એકાત્મવાદનું નિરૂપણ કરતા દારા શિકોહ મૌલાના જલાલ્લુદ્દીન રૂમીનું અવતરણ ટાંકતા લખે છે,
“જો તમે તેને પામવા ઇચ્છો , તો એક ક્ષણ માટે પણ તેને ન શોધો.
જો તેને જાણવા ઈચ્છો તો તેના વિશે બિલકુલ ન વિચારો,
જો તમે તેને એકાંતમાં મળવા ઈચ્છો તો અને તાદ્રશ્ય તેને જોવા ઈચ્છો છો,
તો,તમે તેના રહસ્યોથી દૂર થઈ જાવ છો.
પણ જ્યારે તમે તેના ગુપ્ત અને પ્રગટ રૂપના વિચારમાંથી બહાર આવી જાવ છો,
ત્યારે નિશ્ચિત રીતે પગો પ્રસરાવી તેના આશ્રિત થઈને પરમ આનંદિત સુઈ જાવ,
બસ, તે તમને આપો આપ આવીને મળશે”
આવા જ્ઞાની સૂફી વિચારક દારા શિકોહની તેના નાના ભાઈ ઔરંગઝેબે સત્તાની પ્રાપ્તિ માટે હત્યા કરી હતી. સત્તાના આ સંઘર્ષમાં દારા શિકોહ જેવા અત્યંત સૂફીજ્ઞાનીને ઇસ્લામના ફતવાનો ભોગ બની ફાંસીના માચડે લટકી જવું પડયું હતું. એ ઘટના મોગલ ઇતિહાસનું કરુણ પ્રકરણ છે. જો કે
ઔરગંઝેબની કટ્ટરતા ઇસ્લામના માનવીય અભિગમને સમજવામાં નિષ્ફળ ગઈ હતી. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાને શરીફ લઈ ઇસ્લામનો પ્રચાર કરવા નીકળેલ બાદશાહ ઔરંગઝેબ એ વાત ભૂલી ગયો હતો કે કુરાને શરીફમાં ‘લાઈકરા ફિદ્દિન’ અર્થાત્ ‘ધર્મની બાબતમાં કયારેય બળજબરી ન કરીશ’ નો આદેશ વારંવાર આપવામાં આવ્યો છે. સૂફીવાદ અને ઇસ્લામની આવી માનવતાને ન સમજી શકનાર ઔરંગઝેબ આજે પણ મહાન વિચારક અને સૂફીસંત દારા શિકોહની હત્યા માટે ઇતિહાસમાં બદનામ છે અને રહેશે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s