ઇસ્લામને બદનામ કરતા શૈતાનો : ડો.મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.) તેમના અનુયાયી અબ્દુલ્લાહ સાથે મુસાફરીમાં હતા. એ પ્રસંગનું વર્ણન કરતા અબ્દુલ્લાહ કહે છે,
“એકવાર અમે પયગમ્બર સાહેબ(સ.અ.વ.)સાથે સફરમાં હતા. અમે એક પક્ષી જોયું. તેની સાથે બે બચ્ચા હતા. અમે બચ્ચાને પકડી લીધા. તેમની મા એ જોઈને વિહવળ થઈ ગઈ. ચિચિયારીઓ પાડવા લાગી. પયગમ્બર સાહેબ(સ.અ.વ.)એ દ્રશ્ય જોઈ, તુરત અમારી પાસે દોડી આવ્યા. અને પૂછ્યું,”આના બચ્ચા છીનવી લઇ આ માને કોણે દુઃખી કરી ? તેના બચ્ચા તેને તુરત પાછા આપી દો” એ જ સફરમાં એક જગ્યાએ અમે ઉધયનો રાફડો જોયો. અમે તેને સળગાવી મુક્યો. એ જોઈ પયગમ્બર સાહેબે પૂછ્યું, ‘ આ રાફડો કોણે સળગાવ્યો ? મેં કહ્યું, ‘મેં’ ત્યારે મહંમદ સાહેબ (સ.અ.વ.)બોલી ઉઠ્યા.’ અલ્લાહ જે અગ્નિનો માલિક છે, તેના સિવાય બીજા કોઈને અધિકાર નથી કે અન્યને અગ્નિ દ્વારા શિક્ષા કરે”
એકવાર એક અનુયાયી પંખીના માળામાંથી કેટલાક ઈંડા ચોરી લાવ્યો. એ જોઈ મહંમદ સાહેબે આદેશ આપ્યો, “ઈંડા જ્યાંથી લાવ્યો છે ત્યાં પાછા મુકી આવ” એકવાર એક જનાજો (ઠાઠડી) રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. એ જોઈ મહંમદ સાહેબ ઉભા થઈ ગયા.એક અનુયાયી એ જોઈ બોલી ઉઠ્યો,
“આ તો એક યહુદીનો જનાજો છે. તેને માન આપવાની કઈ જરૂર નથી”
મહંમદ સાહેબ બોલ્યા, ” શું યહુદી માનવી નથી ?” એકવાર કોઈ કે મહંમદ સાહેબને કહ્યું,
“મુશારીકો (અલ્લાહ સિવાય અન્ય દેવોની પુજકારનાર)ની વિરુદ્ધ અલ્લાહને દુવા કરો કે તેમને શ્રાપ આપે”
મહંમદ સાહેબ કહ્યું,
“મને માનવજાત માટે દયા અને દુવા કરવા માટે મોકલવામાં આવ્યો છે. શ્રાપ આપવા માટે નહિ”
મહંમદ સાહેબને કોઈ કે પૂછ્યું,
“ઇસ્લામ એટલે શું ?”
આપે ફરમાવ્યું, “ભુખ્યાને ભોજન આપવું અને જાણીતા કે અજાણ્યા સૌનું ભલું ઇચ્છવું એટલે ઇસ્લામ”
કુરાને શરીફની અનેક આયાતો ઇસ્લામના માનવીય અભિગમને વ્યક્ત કરે છે. કુરાને શરીફમાં કહ્યું છે,
“પરસ્પર ઝગડો ન કરો. સંતોષમાં સુખ માણો.ન તો તમે કોઈથી નફરત કરો, ન કોઈ પર જુલમ કરો”

ઇસ્લામ અને તેના અંતિમ પયગમ્બરના આવા માનવીય અભિગમને કેટલાક કહેવાતા ઇસ્લામના અનુયાયીઓ જિહાદને નામે બદનામ કરી રહ્યા છે. પોતાના અમાનુષી, અમાનવીય, હિંસક અપકૃત્યો દ્વારા વિશ્વ અને ભારતના મુસ્લિમોને શરમિંદા કરી રહ્યા છે. જો કે “જિહાદ”નો આદેશ દરેક ધર્મમાં આપવામાં આવ્યો છે. કરબલા અને કુરુક્ષેત્ર તેના ઉત્તમ ઉદાહરણ છે. પણ એ ધર્મ યુધ્ધો સત્ય અને અસત્યની લડાઈ હતા. ધર્મ અને અધર્મની લડાઈ હતા. તેમાં માનવ જાતની હિંસાનો કોઈ ભાવ કે ઉદેશ રતીભાર પણ ન હતો. વળી, કુરાને શરીફમાં “જિહાદ” શબ્દનો અર્થ કુકાર્યોથી પોતાને બચાવવાના સદર્ભમાં થયો છે. યુદ્ધ કે માનવ હિંસાના સંદર્ભમાં થયો નથી. કુરાને શરીફમાં એક સ્થાને “જિહાદ-એ-ફી સબીલલ્લાહ” શબ્દ વપરાયો છે. જેનો અર્થ થયા છે “ખુદાના માર્ગે પ્રયાસ”. ખુદાનો માર્ગ એટલે નૈતિક,અહિંસક અને શાંતીનો માર્ગ. કુરાને શરીફમાં મહંમદ સાહેબ(સ.અ.વ.)ને ખુદાએ આદેશ આપતા કહ્યું છે,
“જે લોકો તમારી વાતમા વિશ્વાસ નથી કરતા અથવા મુસ્લિમ હોવા છતાં સચ્ચાઈ અને પવિત્રતા સાથે નથી વર્તતા તેમની સામે જિહાદ કરો”
એકવાર કોઈ કે મહંમદ સાહેબ(સ.અ.વ.)ને પૂછ્યું, “સૌથી મોટી જિહાદ કઈ ?”
આપે ફરમાવ્યું, ” સૌથી મોટી જિહાદ પોતાની વૃતિઓ પર કાબુ મેળવવાની છે.પોતાના ક્રોધ અને વાસનાઓ અને નકારત્મક વૃતિઓ પર જીત મેળવવી એ જ મોટી જિહાદ છે.” કુરાને શરીફમા આવી મોટી જિહાદને “જિહાદ-એ-અકબરી” કહેલ છે. એટલે જિહાદના નામે અશાંતિ સર્જતા કે પ્રસરાવતા આતંકવાદીઓ ન તો સાચા મુસ્લિમ છે, ના તો તેમને ઇસ્લામના માનવીય મૂલ્યો સાથે કોઈ સંબંધ છે.
યુદ્ધ માટે કુરાને શરીફમાં અન્ય એક શબ્દા વપરાયો છે. જે છે “કીતાલ”. “કીતાલ” એટલે હિંસા,ખુનામરકી. જો કે તેનો ઉપયોગ પણ અનિવાર્ય સંજોગોમાં જ કરવાનો આદેશ છે. કુરાને શરીફમાં વારંવાર કહેવામાં આવ્યુ છે, “લા તુ ફસીદ” અર્થાત “ફસાદ ન કર” ફસાદ એટલે ત્રાસ, જુલમ કોઈ પણ માનવી પર ન કર. કોઈને દુઃખ ન આપ. કોઈને દર્દ ન આપ. ઝગડો ન કર. એ જ રીતે કુરાને શરીફમાં કહ્યું છે, ” લા ઇકરા ફીદ્દીન” અર્થાત ધર્મની બાબતમાં કયારેય બળજબરી ન કરીશ. ઇસ્લામને અધકચરો સમજનાર માનવીઓએ પોતાના ધર્મના પ્રચાર પ્રસર માટે સેવેલ દુરાગ્રહ પણ ગુનાહ છે, પાપ છે. જિહાદના નામે હિંસા કરતા કહેવાતા મુસ્લિમો માત્ર ઇસ્લામના નિર્દોષ અને પાક મુસ્લિમોને જ નથી બદનામ નથી કરતા, પણ તેઓ એક ઉચ્ચ આદર્શ ધરાવતા વિશ્વના મહાન ધર્મને બદનામ કરી રહ્યા છે.
એકવાર બર્નાડ શો ને કોઈ કે પૂછ્યું,
“વિશ્વનો શ્રેષ્ટ ધર્મ કયો ?”
એક પળનો પણ વિચાર કર્યા વગર તેમણે કહ્યું, “ઇસ્લામ” પછી થોડીવાર અટકી બોલ્યા,
“પણ તેના અનુયાયીઓ તેને સમજી શક્ય નથી”

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s