સૂફીવાદની ચિશ્તીયા શાખા : ડૉ. મહેબૂબ દેસાઈ

ભારતમાં સૂફીવાદના પ્રચાર-પ્રસારમાં સૂફીસંતો અને તેમના ફીરકાઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. વિશ્વમાં સૂફીવાદના ચાર ફીરકાઓ(શાખાઓ) જાણીતા છે. જેમાં કાદારીયા, ચિસ્તીયા, સુહાવર્દીયા અને નક્શબંદીનો સમાવેશ થાય છે. ભારતમાં આ ચાર શાખાઓમાંથી ચિસ્તીયા શાખા અને તેના સંતો વધુ પ્રચલિત છે. સૂફીવાદના ચિસ્તીયા શાખાની સ્થાપના અફઘાનિસ્તાનના હેરાત શહેરથી ૯૫ માઈલ દૂર આવેલા નાનકડા શહેર ચિશ્તીયામા થઈ હતી. તેના સ્થાપક સીરિયાના વતની અબુ ઈશાક સામી હતા. તેમણે સૂફી વિચારની સૌ પ્રથમ ઓળખ ચિશ્તીય શહેરના લોકોને કરાવી હતી. એ પછી સીરિયાના સુલતાનના પુત્ર અબુ અહેમદ અબ્દુલને પોતાનો શિષ્ય બનાવી, તેને સૂફી વિચારનું જ્ઞાન આપ્યું. જેણે સૂફીવાદના ચિશ્તીય ફિરકાનો પ્રચાર કર્યો.
ભારતમાં સૂફીવાદની ચિશ્તીયા શાખાની સ્થાપના કરનાર સૂફીસંત હઝરત ખ્વાજા મોઇયુદ્દીન ચિશ્તી(ઈ.સ.૧૧૪૧-૧૨૩૦) હતા. જેમને ભારતના મુસ્લિમો ખ્વાજા ગરીબ નવાઝ (અજમેર)અર્થાત ગરીબોના બેલી તરીકે ઓળખે છે.જયારે પશ્ચિમમાં ચિશ્તીયા શાખાનો પ્રસાર કરનાર ઈનાયત ખાન ચિશ્તી (ઈ.સ.૧૮૮૨-૧૯૨૭) હતા. ઈ.સ. ૧૯૧૦મા તેઓ અમેરિકામાં આવ્યા. અને પછી પેરીસ (ફ્રાંસ)મા સ્થાહી થયા. સૂફીસંત હઝરત ખ્વાજા મોઇયુદ્દીન ચિશ્તીએ ભારતની હિંદુ-મુસ્લિમ બંને પ્રજા પર પોતાનો પ્રભાવ પાડ્યો હતો. આજે પણ એ પ્રભાવ યથાવત છે. તેમના પિતા હુસૈન પરિવારના હતા. જયારે તેમના માતા ઈમામ હસન પરિવારમાંથી હતા. તેમની રહેણીકરણી અત્યંત સાદી હતી. સાવ મામુલી કપડા અને ભોજનમાં સૂકી રોટી સિવાય કશું ન ખાતા. ગરીબ નાવાઝનું જીવન સબ્રથી ભરપુર હતું. તેમનો ઉપદેશ સરળ હતો. તેઓ કહેતા,
“ખુદાનો પ્રકાશ તો સર્વત્ર છે. દરેક વસ્તુમાં છે. પણ તેને જોવાની,સમજવાની દ્રષ્ટિ જોઈએ”
“કોઈ નમાઝ પઢે છે ત્યારે તે ખુદાની નજીક હોઈ છે. માટે જ સ્વસ્થતાથી, શાંતિથી અને એકાગ્રતાથી નમાઝ પઢો”
ભારતમાં ચિશ્તીયા શાખાના અન્ય સૂફી સંતોમાં હઝરત ખ્વાજા કુત્બુદ્દીન બખ્તિયાર “કાકી” (ઈ.સ.૧૧૭૩-૧૨૩૫),હઝરત ખ્વાજા ફરીદુદ્દીન મસઉદ “ગંજશકર” (ઈ.સ. ૧૧૭૩-૧૨૬૬), હઝરત ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયા “મહેબૂબ-એ-ઇલાહી”, અમીર ખુશરો(ઈ.સ. ૧૨૫૩-૧૩૨૫) અને હઝરત ખ્વાજા સલીમ ચિસ્તી(૧૪૮૦-૧૫૭૨)જાણીતા છે. હઝરત ખ્વાજા સલીમ ચિશ્તીનો ખુદા સાથે લગાવ અત્યન્ત ઘનિષ્ટ હતો. મોઘલ સમ્રાટ અકબરે જોધાબાઈ સાથે નિકાહ કર્યા પછી ઘણા વર્ષો સુધી તેને કોઈ સંતાન ન થયું. અનેક મન્નતો માની. છતાં કોઈ સંતાન ન થતા અકબર ઘણો નિરાશ થયો. એવા સમયે તેને સૂફીસંત સલીમ ચિસ્તી પાસે જવાની કોઈકે સલાહ આપી. અને અકબર પોતાના લાવા લશ્કર સાથે તપતી રેતમાં ખુલ્લા પગે ચાલતો સલીમ ચિશ્તીની ઝુંપડીએ ગયો.સૂફીસંત સલીમ ચિશ્તીએ અકબરને સંતાન પ્રાપ્તિ થાય એ માટે ખુદાને દુઆ માંગી. અને એક ફકીરની દુઆ સાંભળી ખુદાએ મોગલ સમ્રાટ અકબરને પુત્ર આપ્યો. અકબરે તેનું નામ સલીમ રાખ્યું. જે ઇતિહાસમાં જહાંગીરના નામે જાણીતો થયો. આજે પણ ઉત્તેરપ્રદેશના ફતેહપુર સીકરીમા આવેલ મોઘલ અદાલતના ભવ્ય કિલ્લામાં સલીમ ચિશ્તીની દરગાહ પર ભક્તોની ભીડ જામે છે.

સૂફી સંત હઝરત ખ્વાજા ફરીદુદ્દીન મસઉદ “ગંજશકર” પછી ચિશ્તીયા સિલસિલામાં બે ફાંટા પડ્યા. પ્રથમ ફાંટાને ચિશ્તી નીઝામીયા કહે છે. જેના મુખ્ય સંત નિઝામુદ્દીન ઓલિયા હતા. જયારે બીજા ફાંટાને ચિશ્તી સાબીરી કહે છે. જેના મુખ્ય સંત અલ્લાઉદ્દીન સાબરી હતા. આજે તો આવા ભેદ વિસરાઈ ગયા છે. અને રહી ગયા છે માત્ર સૂફીસંતોના આદર્શ જીવન કવન. જેણે આજે પણ પ્રજામાનસ પર જબરી અસર કરી છે. તેનું મુખ્ય કારણ તેના સિધાંતો અને સંતોનું આદર્શ જીવન હતા.એ દ્રષ્ટિએ ચિશ્તીયા ફીરકાના સિધાંતો જાણવા જેવા છે. માનવીને માનવી બનાવવાના મૂળ તેમાં પડેલા છે. આ ફીરકાના સંતોએ પોતાનું સમગ્ર જીવન સાદગી અને સબ્રને કેન્દ્રમાં રાખી વિતાવ્યું હતું. પરિણામે તેઓ સમાજના આમ અને ખાસ માનવીના હદય સુધી પહોંચ્યા હતા. માનવીય અભિગમને વ્યક્ત કરતા ચિશ્તીયા ફીરકાના મુલ્ય નિષ્ટ સિધાંતો નીચે મુજબ હતા.

૧. પોતાના ગુરુ કે પીરને સંપૂર્ણ વફાદાર રહેવું.
૨. દુનિયાના ભૌતિક સુખોથી દૂર રહેવું.
૩.. શાશકો કે સત્તાધીશોથી દૂર રહેવું.
૪. સમાજના આમ અને ખાસ દરેક ઇન્સાનને પ્યાર કરવો.
૫. માનવ સેવા એજ ખુદાની સાચી ઈબાદત છે.
૬. અન્ય ધર્મ અને તેના રીતરીવાજોને માન આપવું.
૭. દુનિયાના સર્જક ખુદાની ઈબાદત કરવી. ખુદાના સર્જનની ઈબાદત ન કરવી.
૮. ચમત્કારોથી દૂર રહેવું.

આ ફીરકાના સૂફીસંતોની ઈબાદત પદ્ધતિ પણ અનોખી છે. તેઓ માને છે કે ખુદાની ઇબાદતમાં એકાગ્રતા અનિવાર્ય છે. માટે એકાગ્રતા પામવા તેઓ “ચિલ્લાહ ”મા બેસે છે. “ચિલ્લાહ” એક એવી ક્રિયા છે જેમાં સૂફીસંત ચાલીસ દિવસ સુધી એકાંતમાં માત્ર ખુદાની આકરી ઈબાદત કરે છે. એ દરમિયાન જીવન જરૂરી ક્રિયાઓ અને જરૂર પૂરતું ભોજન લેવા પુરતા જ તેઓ અટકે છે. એ સિવાય દિવસ રાત માત્ર ખુદાની ઈબાદત જ કરતા રહે છે. આ ઉપરાંત ચિશ્તીયા ફીરકાના સંતો ઇબાદતમાં સંગીતને પણ પ્રાધાન્ય આપે છે.ખુદા અને હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ની શાન અને પ્રશંશા વ્યક્ત કરતા સંગીતમાં તેઓ મસ્ત રહે છે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s