હઝરત મહંમદ પયગમ્બર(સ.અ.વ.)ના શરીક-એ-હયાત : હઝરત ખદીજા : ડૉ.મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ(સ.અ.વ.) સાહેબનું ૬૧ વર્ષનું (ઈ.સ.૫૭૧ થી ૬૩૨) જીવન ઇસ્લામના અનુયાયીઓ માટે જ નહિ,પણ સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક છે. ૨૫ વર્ષની વયે પોતાનાથી ૧૫ વર્ષ મોટા ૪૦ વર્ષના વિધવા હઝરત ખદીજા સાથે નિકાહ કરનાર મહંમદ સાહેબને ભરયુવાનીમાં મક્કાવાસીઓએ “અલ અમીન” નો ખિતાબ આપ્યો હતો. અલ અમીન એટલે અમાનત રાખનાર, શ્રદ્ધેય, વિશ્વાસપાત્ર, ઈમાનદાર,સત્યનિષ્ઠ. કારણ કે વેપારમાં તેમના જેટલો વિશ્વાસ પાત્ર વ્યક્તિ એ સમયે મક્કમાં બીજો કોઈ ન હતો.
હઝરત ખદીજા સાથેના તેમના નિકાહ પણ ઇસ્લામિક ઇતિહાસમાં એ અભૂતપૂર્વ ઘટના છે. વેપારમાં સતત સક્રિય રહેતા હઝરત ખદીજા દર વર્ષે અનુભવી લોકોને વેપારના માલ સાથે પરદેશમાં મોકલતા.એ વર્ષે પણ વેપારનો માલ લઈ કોઈ સારા વેપારીને સિરિય મોકલવાની તેમની ઈચ્છા હતી. મહંમદ સાહેબના કાકા અબુતાલીબને આ સમાચાર મળ્યા. તેમણે મહંમદ સાહેબ(સ.અ.વ.)ને વાત કરી.મુહંમદ સાહેબે હઝરત ખાદીજાનો માલ લઈ સિરીયા જવાની ઈચ્છા દર્શાવી. એ સમયે મહંમદ સાહેબ(સ.અ.વ.)ની ઉંમર ૨૫ વર્ષની હતી. મધ્યમ કદ,મજબુત કસાયેલું સુડોળ શરીર,નૂરાની ચહેરો,પહોળી અને પ્રભાવશાળી પેશાની,ચમકદાર મોટી આંખો, અંધારી રાત જેવા કાળા જુલ્ફો,સુંદર ભરાવદાર દાઢી,ઉંચી ગરદન,અને આજાના બાહુ જેવા મજબુત હાથો ધરાવતા મુહંમદસાહેબ તીવ્ર બુદ્ધિમતાના માલિક હતા. સીરીયાથી પાછા ફરી મહંમદ સાહેબ (સ.અ.વ.)એ હઝરત ખાદીજાને કરેલ વેપારનો બમણો નફો આપ્યો.આટલો નફો હઝરત ખાદીજાને ક્યારેય મળ્યો ન હતો.મહંમદ સાહેબ(સ.અ.વ.) ની ઈમાનદારી,કાબેલીયત અને તેમના વ્યક્તિત્વથી હઝરત ખદીજા ખુબ પ્રભાવિત થયા. અને પ્રથમ નજરે જ તેમના પ્રેમમાં પડ્યા.તેમની આ પાક મોહબ્બતને તેઓ વધુ સમય દબાવી કે છુપાવી ન શક્ય.તેમણે મુહંમદ સાહેબ(સ.અ.વ.)ની ઈચ્છા જાણવા પોતાની સખી નફીસાહને મુહંમદ સાહેબ(સ.અ.વ.) પાસે મોકલ્યા. રમતિયાળ ,ચબરાક નફીસાહ મુહંમદ સાહેબ પાસે પહોંચી ગઈ અને તેમને પૂછ્યું,
“મહંમદ સાહેબ, આપ શાદી કેમ કરતા નથી ?”
“હું તો ગરીબ માણસ છું. વેપારમાં રોકાયેલો રહું છું. એટલે હજુ સુધી શાદી કરવાનો વિચાર જ આવ્યો નથી”
“હા, પણ માલ અને જમાલ બંને આપને બોલાવે તો આપ શાદી કરો કે નહિ ?”
“તું કોની વાત કરે છે?”
“મક્કાની ખુબસુરત અમીરજાદી ખદીજા બિન્તે ખુવૈલીદની”
“ખદીજા મારી સાથે શાદી કરશે ?”
“એની જિમ્મેદારી હું લઉં છું. આપ તો બસ આપના તરફથી હા કહી દો”
અને આમ હઝરત ખદીજાની મનોકામના પૂર્ણ થઈ. ઈ.સ. ૫૯૬મા મહંમદ સાહેબ અને ખદીજાના નિકાહ થયા, ત્યારે બંનેની ઉમરમાં ૧૫ વર્ષોનો ખાસ્સો ફેર હતો. છતાં તેમનું લગ્ન જીવન અત્યંત સુખી અને સમગ્ર માનવજાત માટે આદર્શ રૂપ બની રહ્યું હતું. ૨૫ વર્ષના તેમના લગ્નજીવનમાં તેમને ૬ સંતાનો થયા હતા. જેમાં બે પુત્રો અને ચાર પુત્રીઓ હતી.
નિકાહ પછી મહંમદ સાહેબ(સ.અ.વ.)માટે કપરો સમય શરુ થયો હતો. ૧૫ વર્ષની સખ્ત ઈબાદત પછી ૪૦ વર્ષની વયે તેમને ખુદાનો પૈગામ (વહી)હઝરત ઝીબ્રાઈલ દ્વારા સંભળાવા લાગ્યો હતો. છતાં તેમની આ વાત કોઈ માનવા તૈયાર ન હતું. ત્યારે એક માત્ર તેમની પત્ની ખદીજાએ તેમના પર વિશ્વાસ કર્યો. અને તેમને સાથ આપ્યો. જે સમયે ઇસ્લામનો અંગીકાર કરવા કોઈ તૈયાર ન હતું, ત્યારે હઝરત ખદીજાએ સૌ પ્રથમ ઇસ્લામનો અંગીકાર કર્યો. ઇસ્લામના પ્રચાર પ્રસારને કારણે આખુ મક્કા શહેર મહંમદ સાહેબ(સ.અ.વ.)નું દુશ્મન બની ગયું હતું. મુહંમદ સાહેબ(સ.અ.વ.)ને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી હતી. એવા સમયે એક માત્ર પત્ની ખદીજા તેમને સાંત્વન અને હિંમત આપતા અને કહેતા,
“યા રસુલીલ્લાહ, ધીરજ ધરો. હિંમત રાખો. આપની જાનને કોઈ ખતરો નથી.ખુદા આપને કયારેય રુસ્વા નહિ કરે. ભલા એવો કોઈ નબી આવ્યો છે જેને લોકોએ દુ:ખ ન આપ્યું હોઈ?”
૬૫ વર્ષની વયે ઈ.સ. ૬૨૧માં હઝરત ખદીજાનું અવસાન થયું.મહંમદ સાહેબ (સ.અ.વ.)પત્નીના અવસાનથી ઘણા દુઃખી થયા. તેમની આંખો આંસુઓથી ઉભરાઈ આવી. આ જોઈ હઝરત ખદીજાના બહેન બીબી હાલહા બોલી ઉઠ્યા,
“આપ એ વૃદ્ધાના અવસાનથી આટલા દુઃખી શા માટે થાવ છો ?”
ત્યારે મહંમદ સાહેબે ફરમાવ્યું,
“જયારે લોકો મને ઠુકરાવતા હતા ત્યારે ખદીજાએ મને સાચો માન્યો હતો. જયારે બીજોઓ કાફિર બની મારી મજાક ઉડાવી રહ્યા હતા ત્યારે ખદીજા મારી વાતો પર ઈમાન લાવી હતી.જયારે મારો કોઈ મદદગાર ન હતો ત્યારે ખદીજા એક માત્ર મારી મદદગાર બની હતી”
આટલું બોલતા તો મહંમદ સાહેબ(સ.અ.વ.) ભાંગી પડ્યા હતા. તેમની આંખોમાંથી આંસુઓ અવિરત પણે વહી રહ્યા હતા.
હઝરત ખદીજાના અવસાન પછી મહંમદ સાહેબ (સ.અ.વ.)૧૩ વર્ષ જીવ્યા.આ તેર વર્ષમાં ઇસ્લામિક રાષ્ટ્રોમાં રાજકીય,ધાર્મિક અને સામાજિક સંગઠન યથાવત રાખવા તેમને ૧૦ નિકાહ કરવા પડ્યા હતા. પણ આ તમામ પત્નીઓને હઝરત ખદીજા જેવો દરજ્જો કે માન મહંમદ સાહેબ(સ.અ.વ.) કયારેય આપી શકયા ન હતા.ઇસ્લામના પ્રચારક તરીકે આજે વિશ્વમાં મહંમદ સાહેબ(સ.અ.વ.)ને મળેલ ઈજ્જત પાછળ હઝરત ખદીજાનો પ્રેમ, હિંમત અને નૈતિક મનોબળ પડ્યા છે એ કેટલા મુસ્લિમો જાણે છે?

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s