હાજીઓ બન્યા પ્રવાસીઓ : ડો. મહેબૂબ દેસાઈ

૧૨ નવેમ્બર ૨૦૧૦ રાત્રીના ૧૦.૩૦ વાગ્યા છે. કાબા શરીફનો તવાફ (પરિક્રમા) કરી થોડો થાક્યો છું. એટલે ગેઈટ નંબર ૭૯ ના પગથીયા પર પોરો ખાવા બેઠો છું. મારી બરાબર બાજુમાં એક તુર્કી ચહેરા પર વહેતા આંસુઓ સાથે કરગરીને કાબા શરીફ સામે દુવા માંગી રહ્યો છે. આવા દ્રશ્યો ખુદાના ઘર કાબા શરીફમા સામાન્ય છે. આજથી દસેક વર્ષ પૂર્વે (ઈ.સ.૨૦૦૦) હું જયારે હજયાત્રાએ આવ્યો ત્યારે પણ આવા અનેક દ્રશ્યો મને જોવા મળ્યા હતા. પણ એ સમયના સાઉદી અરબિયા અને આજના સાઉદી અરેબિયામા જમીન આસમાનનો ફર્ક છે. એ સમયે સાઉદી અરેબિયા માટે મક્કા અને મદીના માત્રને માત્ર ધાર્મિક યાત્રાધામ હતા. પણ આજે તે મોટા પ્રવાસધામ બની ગયા છે. સાઉદી સરકાર માટે આવકના મુખ્ય શ્રોત બની ગયા છે. દસ વર્ષ પહેલા મક્કામાં આવતા મુસ્લિમોની વિના મુલ્યે ખિદમત કરવામાં સાઉદી પ્રજા ગર્વ લેતી અને તેને પુણ્ય (સબાબ) માનતી. પણ આજે એ જ સાઉદી પ્રજા હાજીઓની ખિદમતનું (સેવાનું) મો ફાડીને મુલ્ય માંગે છે. તેના મૂળમાં સાઉદી સરકારની નવી પ્રવાસ નીતિ છે.

સાઉદી અરેબિયામા આવકનો એક માત્ર માર્ગ પેટ્રોલિમ પેદાશ છે. આ સિવાય અહીંયા કોઈ ઉદ્યોગો નથી. પોલીથીન બેગ જેવી નાની વસ્તુની પણ ચીનથી આયાત થાય છે. વળી, પેટ્રોલિમ જેવી કુદરતી સંપતિ કયા સુધી તેમને સાથ આપશે તેની તેમને ખુદને ખબર નથી. પરિણામે આવકનો અન્ય શ્રોત વિકસાવવો તેમના માટે અત્યંત જરૂરી હતુ. મક્કામાં કાબા શરીફ અને મદીનામા આવેલ મસ્જિત-એ-નબવી પ્રત્યેની વિશ્વના મુસ્લિમોની શ્રધ્ધા દિનપ્રતિદિન વધી જાય છે. તેમાં ઓટને કોઈ જ સ્થાન નથી. એ દ્રષ્ટિએ મોટા પ્રવાસધામ તરીકે મક્કા અને મદીનાનો વિકાસ સાઉદી અરેબિયા માટે આવકનું મોટું અને કાયમી માધ્યમ બની શકે તેમ છે.

પરિણામે છેલ્લા પાંચ વર્ષોમાં સાઉદી અરેબિયાએ મક્કા અને મદીનાને ભવ્ય પ્રવાસધામો બનાવવા કમર કસી છે. આજે મક્કામા કાબા શરીફની આસપાસ અને મદીનામાં મસ્જિત-એ-નબવી પાસેના દસેક કિલો મીટરના વિસ્તારની મોટા ભાગની બજારોને તોડી નાખી ત્યાં પંચતારક ૧૦-૨૦ કે તેથી પણ વધુ માળની હોટેલોની હારમાળા ઉભી કરી દેવામાં આવી છે. આવી જ એક ૪૦ માળની હોટેલ ઝમઝમ કાબા શરીફ સામે જ ઉભી થઈ છે. તેનો ટાવર એટલો ઉંચો છે કે આખા મક્કામાં ગમે ત્યાંથી તે જોઈ શકાય છે. કાબા શરીફ પાસે જ બીજી કેટલીક હોટલોનું બાંધકામ હાલ ચાલુ છે. આ હોટેલોના સર્જનમાં મોટે ભાગે અબ્દુલ રહેમાન ફગી નામના ઉદ્યોગપતિનું નામ બોલાય છે. આવી હોટેલોમાં હાજીઓ ને તેમની નાણાકીય શક્તિ મુજબ હજ યાત્રા દરમિયાન રૂમો આપવામાં આવે છે. કેટલાક ખાનગી પ્રવાસ આયોજકો આવી હોટેલોના અમુક રૂમો હસ્તગત કરી પોતાના પ્રવાસીઓ માટે અનામત કરી લે છે. અને હાજીઓ પાસેથી તગડી રકમ લઈ તેમાં તેમને ઉતારો આપે છે. પ્રવાસીઓને આવી મોટી હોટેલોમાં રોકાણ કરવાની પણ તક છે. બે કરોડ આપો એટલે તમને એક રૂમ ૨૨ વર્ષના પટ્ટે આપવામાં આવે છે. આપ એ રૂમના માલિક નથી. પણ વર્ષમાં રમઝાન માસના દસ દિવસ અને હજ સિવાયના માસમાં ત્રીસ દિવસ એ રૂમમાં વિના મુલ્યે રહી શકો છો. બાકીના દિવસોમાં હોટેલ આયોજકો તે રૂમ અન્યને ભાડે આપશે અને તેની આવકના ૧૦ ટકા રોકાણકારને આપશે. ૨૨ વર્ષ પછી એ રૂમ વકફ થઈ જશે. એટલે કે આપો આપ દાનમાં આપી દેવાનો રહેશે.
આવી હોટેલોના પ્રથમ પાંચ માળો પર અત્યંત આધુનિક મોલો ઉભા થઈ ગયા છે. હાજીઓ કાબા શરીફમાં નમાઝ પઢીને તુરત ખરીદીમાં લાગી જાય તે માટેની આ સુંદર વ્યવસ્થા છે. વળી, મોટા ભાગની પંચતારક હોટલો એ તો આથી પણ વધુ સગવડતા હાજીઓને કરી આપી છે. મોલમાં જ એક મોટી મસ્જિત ઉભી કરી દીધી છે. કાબા શરીફ સાથે જ ત્યાં પણ નમાઝ થાય છે, પરિણામે ખરીદી માટે મોલમાં આવેલા હાજી સાહેબોને મોલની બહાર જવાની જરૂર જ નથી પડતી. આમ ઈબાદત પણ થતી રહે અને મોલ પણ ચાલતા રહે. અલબત્ત નમાઝ સમયે થોડી મીનીટો માટે મોલ બાંધ થઈ જાય છે. પણ પછી અડધી રાત સુધી આ મોલો હાજીઓની ખરીદીથી ધમધમતા રહે છે.

સરકારના આવા વ્યવસાયિકરણ ની અસર નાના મોટા તમામ વ્યવસાયો પર પડી છે. જેમ કે હજ પછી દરેક હાજીએ ફરજિયાત હલક-મુંડન કરાવવું પડે છે. પાંચ રીયાલ (સાઉદી અરેબિયાનું ચલણ)નું મુંડન હજના સમયે ૨૫-૩૦ રીયાલનું થઈ જાય છે. અને તે પણ પાકિસ્તાની હજામો “બાલ ભીગો કે આઓ (વાળ પલાળીને આવો)” જેવા હુકમો પછી કરી આપે છે. અહીંયા ટેક્ષીના ભાડામાં કોઈ મીટર પ્રથા નથી. જેને જેટલા લેવા હોઈ તેટલા હાજી પાસેથી બિન્દાસ લે છે. સરકારની તેનો પર કોઈ રોકટોક નથી. હજયાત્રામા મીનાથી મક્કા અને મક્કાથી મીના જવા આવવામાં હાજીઓની ઘણી મોટી રકમ ટેક્ષી કે અન્ય વાહનમાં ખર્ચાય છે. સાથે ઘણી હાલાકી પણ ભોગવવી છે. તેનો ઈલાજ સાઉદી સરકાર શોધી કાઢ્યો છે. મીનાથી મક્કા જવા આવવા માટે ખાસ ટ્રેન આ વર્ષથી શરુ થઈ ગઈ છે. જો કે આ વર્ષે તેનો લાભ હાજીઓને નથી મળ્યો. પણ આવતા વર્ષથી તે સેવા આમ હાજીઓ માટે પણ ઉપલબ્ધ થઈ જશે.

આમ હાજી એ સાઉદી સરકાર માટે પ્રવાસી બની ગયો છે. તેની માટે સાઉદી સરકાર શક્ય તમામ સગવડતાઓ ઉભી કરી રહી છે. પણ આ બધી સેવાઓ હજયાત્રાને મોંઘી બનાવશે. જો કે પૈસા ખર્ચનાર તમામ હાજી માટે સાઉદી સરકાર સગવડતાઓનો સ્વાદિષ્ટ થાળ પણ પીરસશે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s