મહાત્મા ગાંધીજીને મળેલા માનપત્રો : ડૉ.મહેબૂબ દેસાઈ

મહાત્મા ગાંધીજી વિશ્વનું એક એવું અદભૂત વ્યક્તિત્વ છે કે જેના વિચાર,આચાર અને વ્યવહાર આજે વિચારધારા બની ગયા છે. તેમના વિચારોને આજે દુનિયાના દેશો પોતાના વિકાસ માટેના શ્રોત બનાવી રહ્યા છે. એ જ વ્યક્તિત્વને તેમના જીવનકાળમાં દરમિયાન ત્રણવાર શાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવાની ચર્ચા થઈ હતી. ૧ ઓકટોબર ૧૯૩૮નાં રોજ લંડનની “ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી”એ પ્રથમવાર શાંતિ માટેનું નોબેલ પારિતોષિક ગાંધીજીને આપવા નોર્વે સરકારને ભલામણ કરી હતી.એ પછી ૧૪ માર્ચ ૧૯૪૭નાં રોજ ઓસ્લોથી સમાચાર આવ્યા કે શાંતિ માટેના નોબેલ ઇનામ માટે ગાંધીજીનાં નામની ભલામણ થઈ છે.૨૫ સ્પ્ટેમ્બર ૧૯૪૭નાં રોજ પુનઃ એ જ સમાચાર આવ્યા.સૌ ને વિશ્વાસ હતો કે ગાંધીજીને જરૂર નોબલ પારિતોષિક મળશે.પણ એ આશા ઠગારી નીવડી. ગાંધીજીને શાંતિ માટેનું નોબેલ ઇનામ ન આપવા પાછળનું મૂળ કારણ સમિતિના સભ્યોએ એ સમયે એક જ આપ્યું હતું. અને તે એ કે “ગાંધીની અહિંસાની લડત વિશ્વ શાંતિ માટે ન હતી,પણ માત્ર પોતાના દેશને આઝાદ કરાવવા પુરતી સીમિત હતી”
નોબેલ પારિતોષિક સમિતિની આ સંકુચિતા તેમને મુબારક. પણ જે મહામાનવને શાંતિ માટેનું નોબેલ ઇનામ આપવાનું નોબેલ સમિતિના સભ્યો ચુકી ગયા, તે જ યુગપુરુષને વિશ્વ અને ભારતમાંથી મળેલ અઢળક માન-સન્માનપત્રો એ નોબેલ પુરસ્કાર કરતા અનેક ગણા મહત્વના છે. કારણ કે તે ભારત અને વિશ્વની આમ પ્રજા દ્વારા આપવામાં આવ્યા છે. ભારતમાં અંગ્રેજ શાસનકાળનો સુર્ય તપતો હતો ત્યારે જ ૭ સપ્ટેમ્બર ૧૯૩૮ના રોજ મધ્ય પ્રાંતની સરકારે ખાસ હુકમ બહાર પાડી જાહેર કર્યું હતું કે “જ્યારે ગાંધીજીનું નામ લખવાનું આવે ત્યારે ફરજીયાત તેમના નામ આગળ “મહાત્મા” લખવું”. ૩ જાન્યુઆરી ૧૯૪૫ના રોજ મદ્રાસ સરકારે ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો”ને મેટ્રીકના અભ્યાસક્રમ માટે પાઠ્યપુસ્તક તરીકે સામેલ કરી હતી. આનાથી પણ વિશેષ ગાંધીજીને તેમના સમગ્ર જીવન દરમિયાન વિશ્વની પ્રજાના પ્રેમના પ્રતિક રૂપે અનેક માનપત્રો મળ્યા હતાં. જે નોબેલ પારિતોષિક કરતા પણ વધુ મહત્વના હતાં. એમાના માત્ર ૧૫૫ માનપત્રો આજે પણ અમદવાદના સાબરમતી ગાંધી આશ્રમમાં સંગ્રહેલા પડ્યા છે. એ માનપત્રોમાંથી થોડાકનો પરિચય જ આપણને સાબિત કારી દેશે કે તે નોબેલ પારિતોષિક કરતા અનેક ગણા મુલ્યવાન છે.
ગાંધીજી બેરિસ્ટર બન્યા પછી ૨૪ અપ્રિલ ૧૮૯૩ના રોજ દાદા અબ્દુલ્લાની પેઢીના વકીલ તરીકે એક વર્ષના કરાર પર દક્ષિણ આફ્રિકા ગયા હતા. એ કરાર મુજબ જવા આવવાનું પ્રથમ વર્ગનું ખર્ચ અને રહેવા જમવાનો ખર્ચ અસીલના માથે હતો. ફી પેટે ૧૦૫ પાઉંડ નક્કી થયા હતા. દક્ષિણ આફ્રિકામાં ૧૮૯૩ થી ૧૮૯૬ સુધીના ગાંધીજીના રોકાણ પછી તેઓ ૫ જુન ૧૮૯૬ના રોજ ડર્બનથી આગબોટ “પોન્ગોલા” માં ભારત આવવા નીકળ્યા. આ એ સમય હતો જયારે તેમને “મહાત્મા”નું બિરુદ મળ્યું ન હતું. સૌ તેમને “ભાઈ”ના સંબોધનથી બોલાવતા હતા.એ સમયે સેવાકીય કાર્યોની તેમની સુવાસ દક્ષિણ આફ્રિકામાં ચોમેર પ્રસરી ગઈ હતી. એટલે હિંદીઓ તરફથી તેમના માનમાં ઠેરઠેર વિદાય સમારંભો યોજાયા હતા. આવોજ એક વિદાય સમારંભ ૪ જુન ૧૮૯૬ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં આવેલ હિન્દી કોંગ્રસ ભવનમાં દાદા અબ્દુલ્લાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સમારંભમાં ગાંધીજીને આપવામાં આવેલ માનપત્ર દક્ષિણ આફ્રિકાની ભારતીય પ્રજાનો ગાંધીજી પ્રત્યેનો અનહદ પ્રેમ વ્યક્ત કરે છે. તેમાં ગાંધીજીના સેવાકીય કાર્યની પ્રશંશા અને દક્ષિણ આફ્રિકા તુરત પાછા ફરવાની વિનંતી કાવ્યત્મક શૈલીમાં કરવામાં આવી હતી. ૨ જુન ૧૮૯૬ના રોજ લખાયેલ આ માનપત્ર મસ્નવી શૈલી (ઉર્દુ-ફારસી ગદ્ય શૈલીનો એક પ્રકાર)મા લખાયું છે. માનપત્રની ભાષા હિન્દી-ઉર્દુ મિશ્રિત છે. ૧૧૩ વર્ષ પૂર્વે ગાંધીજીને અપાયેલ આ માનપત્ર આજે પણ માણવા જેવું છે.

“કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ
કે હે દો જહાંકા ગફ્ફૂર રહીમ

કિયા જિસને પૈદા જમી આન પર
મેં કુરબા હું ઉસકે નામ પર

જો ચાહે કરે પલ મેં મુખ્તાર હેં
સભી કારોબાર ઉસકે અખત્યાર હે
સુની હિંદીઓ કી ખુદાને દુઆ
દુઆ સે ગાંધી કા આના હુઆ

ઉજાલા ખુદાને ફિર ઐસા કિયા
યે બહાદુર અસર હિંદીઓકુ હુઆ

ખુદાને કિયા હમ પર લુંફ્તો કરમ
મોહનદાસ ગાંધીકા દિલ હે નરમ
નિહ્ગેબાન તેરા ખુદાવિંદ કરીમ
કે હે પાદ્શ દો જહાકા અકીમ

નસારુકા યે મુલક નાતાલ હેં
અવલ કાયદા યાકા બે તાલ હેં

વો હિદીકી કરતે ન દરકાર હે
અકલમંદ એસી યે સરકાર હે

મોહનદાસ દિલસે નસાર યે કિયા
ફ્રેન્ચયાસકા કામ અવલ કિયા

ફતેહ સારે કામોમેં તુમકો મિલે
તેરે નામકા ફૂલ જગમે ખીલે

ન દુશ્મન સે બિલકુલ વો દિલ મેં ડરે
લગા કાયદા વો બરાબર લડે

ઓંરોસે ઉસકો હુઆ ફાયદા
નસારુકા તોડા હે જુલ્મો જહાં

આયા હે તાર ભાઇકા જાના હે ધર
પડી હિંદીઓ કે દિલ મેં ફિકર

મગર જાના તો જલ્દી આના યહાં
નહી તો હિન્દીઓ કા ઠીકાના કહાં ?

હિન્દીઓકી ખાતિર જો મહેનત કરે
તરક્કી ઉમર ઉસકી માલિક કરે
યે કોંગ્રેસ દુઆ તેરે હક મેં કરે
તેરે ભાઈઓ ભી ઇસમેં સામીલ રહે

કુટુંબ ઔર કબીલે મેં ન તુમ રહો
ખુશી સાથ જલ્દી યહાં પર ફિરો
ખતમ યહાસે કરતા હુ મેં મસ્નવી
યે મીમ્બેર દુઆ ચાહતે હે મિલ સભી
આવું જ એક અન્ય માનપત્ર ગાંધીમાંજીને ભારતમાં આગમન પછી મળ્યું હતું. દક્ષિણ આફ્રિકાને કાયમી અલવિદા કહી, ગાંધીજી ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ મુંબઈ બંદરે ઉતર્યા. ભારતના રાજકારણમાં સક્રિય થતા પૂર્વે તેમણે ભારતનું પરિભ્રમણ કરવાનું નક્કી કર્યું. તેના ભાગ રૂપે ૨૮ થી ૩૧ માર્ચ ૧૯૧૫ દરમિયાન તેઓ કલકત્તામાં રહ્યા. એ સમયે તેમનો ઉતારો રાષ્ટ્રીય નેતા સી.આર.દાસને ત્યાં હતો. આ મુલાકાત દરમિયાન ૨૯ માર્ચના રોજ ગાંધીજીને કલકત્તાની હિન્દુસભા દ્વારા માનપત્ર આપી તેમનું સન્માન કરવામા આવ્યું. આ માનપત્રની કેટલીક વિશિષ્ટતાઓ નોંધવા જેવી છે. સૌ પ્રથમ તો આ માનપત્ર શુદ્ધ હિન્દી ભાષામાં લખાયું છે. આમ છતાં તેમાં સંસ્કૃત શબ્દોનો સુંદર પ્રયોગ થયો છે.વળી,માનપત્રમા ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના વિજયને વિશિષ્ટ શૈલીમાં બિરદાવવામાં આવ્યો છે. ગાંધીજી સાથે કસ્તુરબાનો પણ માનપત્રમા “સતી સાધ્વી ધર્મપત્ની શ્રીમતી કસ્તુરબાઈ” તરીકે ઉલ્લેખ જોવા મળે છે. માનપત્ર પર ૨૬ માર્ચની તારીખ છે. જયારે તેની અર્પણ વિધિ ૨૯ માર્ચના રોજ થઈ છે. માનપત્રનું પ્રિન્ટીંગ ગોવિંદ પ્રેસ કલકત્તામાં થયું છે. જેનો ઉલ્લેખ માનપત્રના અંતે કરવામાં આવ્યો છે. આ માનપત્રની ભાષા અને રજૂઆત આજે પણ માણવા જેવા છે.

માનપત્રનો આરંભ “ભારત માતા કે કર્મવીર શ્રીયુક્ત ગાન્ધી મહોદય કી સેવામે અભિનંદન પત્ર” જેવા વિશિષ્ટ મથાળાથી થયો છે. એ પછી માનપત્રનો આરંભ કરતા લખવામાં આવ્યું છે,

“શ્રીમાન,
હિન્દુસભા કે લીયે આજકા દિન બડે હી સૌભાગ્ય કા હૈ ઇસે આપકા ઔર આપકી સતી સાધ્વી ધર્મપત્ની શ્રીમતી કસ્તુરબાઈ કા સ્વાગત કરનેકા ગૌરવ પ્રાપ્ત હુઆ. હિન્દુસભા આજ અપને કો નિશ્ચિત હી પરમ ધન્ય સમઝતી હૈ. ઔર બડે આદર કે સાથ આપકા અભિનંદન કરતી હૈ.આપને ઉસ દૂરદેશ દક્ષિણ આફ્રિકા મેં જાતીય સમ્માન ઔર દેશકા ગૌરવ ચિરકાલ તક સ્થાપિત કરને કે લીયે, સત્યા આગ્રહી લડાઈ મેં પ્રવૃત્ત હોકર જો વિજય પાઈ હૈ, ઉસસે ન કેવલ હિંદુ જાતિકા,પ્રત્યુત સમસ્ત ભારત વર્ષકા મુખ ઉજ્જવલ હુઆ હૈ. આપને સબકો દિખા દિયા હૈ કી અનેક વિઘ્ન બાધાઓ કે ઉપસ્થિત હોને પર ભી મનુષ્ય કો ઘબડાકર અપને કર્તવ્ય પાલન સે વિમુખ નહિ હોના ચાહિયે, યદી સંકલ્પ સચ્ચા હો તો ઉસમેં અવશ્ય હી સફળતા પ્રાપ્ત હોગી. આપકી દ્રઢ પ્રતિજ્ઞા, પરોપકારપરાયણ ઔર સદાચાર સમ્પન સાત્વિક સંતોષી મૂર્તિ કો દેખકર ભારત કે પ્રાચીન મહાપુરષો કા ચિત્ર અંકિત હો જતા હૈ.

શ્રીમાન, ઇસ ઘોર સમય મેં જબકી યહાં પ્રાશ્ચાત્ય વાયુ કે પ્રચંડ ઝકોરોસે પ્રાચીનતા કી મુલ ભક્તિ ડગમગા રહી હૈ, તબ એસે અવસર પર પતિ ભક્તિ કા સર્વોચ્ચ આદર્શ આપકી ધર્મપત્નીને દીખલાને કે લીયે આપકા છાયા કી ભાતી અનુગમન કર સંસાર કો યહ ભલીભાતી દિખલા દિયા હૈ કી ભારતીય લલનાઓ કા પતિ સર્વસ્વ હૈ ઔર પતિ કા સુખ દુઃખ હી ઉનકા સુખદુખ હૈ. આપકા અભિનંદન કરને મેં સભાકો અતુલનીય આનંદ હોતા હૈ.

મહોદય, યહ દિન હિંદુ જાતિ કે લીયે હી નહિ સમસ્ત ભારત વર્ષ કે લીયે બડે ગૌરવ કા હોગા જિસ દિન કી સ્વધર્મ્ય ,સ્વદેશી ઔર જાતીય સમ્માન કી રક્ષા કે લીયે આપકા ઉજ્જવલ આદર્શ સમક્ષ રખ કર લોગ અપને કર્તવ્ય પાલન મેં તત્પર હોંગે. કરુણામય ભગવાન હમે આપસે આપકે દેશ-વિદેશાર્જિત પ્રભુત જ્ઞાન ઔર સદાચાર કો ગ્રહણ કરને યોગ્ય બનાયે.દેશ કે યુવાકો કો આપકી ભાંતિ રાજનિષ્ઠ હોકર અપના ધર્મમય જીવન વ્યતીત કરનેકી સુમતિ ઔર સામર્થ્ય પ્રદાન કરે. ઔર આપકો એસી અતુલનીય ઔર મહાશક્તિ પ્રદાન કરે કી જિસસે આપકે દ્વારા જનની જન્મ ભૂમિ સદેવ અભૂતપૂર્વ સેવા હોતી રહે.
હિંદુ સભા કે સદસ્ય”
પંચાણું વર્ષ પૂર્વે મહાત્મા ગાંધીજીના સત્કારમાં લખાયેલ આ માનપત્રમા ઉલ્લેખ થયેલ વિચારો આજે પણ એટલા જ સાચા અને માર્ગદર્શક ભાસે છે. આજે ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિ અને સભ્યતાના આક્રમણે આપણી

સંસ્કૃતિ પર ધૂળના જાડા પડ પાથરી દીધા છે. ભક્તિ-ઈબાદતની ઔપચારિકતા આપણા જીવન વ્યવહારનો ભાગ બની ગયા છે. આપણા કુટુંબ જીવનમાં પ્રસરેલ પશ્ચિમી લક્ષણોએ આપણા સંબંધોમાં આત્મીયતાના સ્થાને માત્ર ઔપચારિકતા જ આણી છે. એવા સમયે ગાંધીજી પ્રત્યેની કસ્તુરબાની પતી ભક્તિનું ચિત્ર માનપત્રમા ઉપસેલું જોવા મળે છે.વળી, આ માનપત્રમા આપણા યુવાનો માટે પણ એક ઉમદા સંદેશ વ્યક્ત થયો છે. યુવાનોનું સદાચારી , રાજનિષ્ઠા અને ધર્મમય જીવન દેશના વિકાસમાં માટે અત્યંત જરૂરી છે. ગાંધીજીને મળેલા આ માનપત્ર માત્ર તેમના સન્માન અને ગુણગાનને જ અભિવ્યક્ત નથી કરતુ,પણ પ્રવર્તમાન સ્થિતિમાં યુવાનો અને સમાજને માર્ગદર્શન પણ પૂરું પડે છે.
ગાંધીજીને મળેલ આવા માનપત્રોમા વિવિધતાના અનેક રંગો જોવા મળે છે.એ સાથે ભારતના વિવિધ પ્રદેશોની પ્રજા દ્વારા ગાંધીજીને મળેલા માનપત્રોમા ગાંધીજી પ્રત્યેની ભક્તિ અને તેમના માર્ગે ચાલવાની પ્રજાની તત્પરતા વ્યક્ત થાય છે. રાષ્ટ્રીય જાગૃતિનું તે ઉમદા પ્રતિક છે. જેમ કે ૨૫ ઓકટોબર ૧૯૨૯ના રોજ સહરાનપુરની મૈઢ રાજપૂત સભા દ્વારા ગાંધીજીને હિન્દીમાં આપવામાં આવેલ માનપત્રમા(માનપત્ર-૨૩) ગાંધીજીના ચરખા અભિયાનમાં જોડવાની આખા રાજપૂત સમાજે કરેલી પ્રતિજ્ઞા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે. આ માનપત્રના મથાળે લખવામાં આવ્યું છે “અભિનંદન પત્ર”. અને તેની નીચે લખ્યું છે, “પૂજ્યપાદ જગત શ્રેષ્ટ મહાત્મા મોહનદાસ કર્મ ચંદ ગાંધીજી કે શ્રી ચરણોમેં સમર્પિત મૈઢ રાજપૂત સભા સહારનપુર કી ઔર સે”
આ મથાળા પછી માનપત્રનો આરંભ થાય છે. જેમા લખ્યું છે,
“શ્રી મહાત્માજી,
મૈઢ રાજપૂત બિરાદરી કો આજ સૌભાગ્ય પ્રાપ્ત હૈ કી વહ આપકે દર્શન સે અપને કો પુનર્જિવિત કરે. હમારી બિરાદરી ગફલત કી નીંદ સો હી થી. આજ આપકે દર્શન સે હમારા જીવન સફલ હોતા હૈ. હમ હદય સે આપકા સ્વાગત કરતે હૈ. હમારી બિરાદરી મેં ત્રુટીયા હૈ. વે હમ અચ્છી તરહ જાનતે હૈ ઔર હમ આપકો વિશ્વાસ દીલાતે હૈ કી ભવિષ્યમેં હમારા એક માત્ર કર્તવ્ય યહી હોગા કી હમ અપના સુધાર કરકે જાતિ ઉદ્ધાર મેં પરિશ્રમ કરે. હમ જાનતે હૈ કી એસા કરને સે હી આપકી આત્મા પ્રસન્ન હોગી. ઔર હમારા જીવન ભી વ્યર્થ ન હોગા.

આપકી પ્રેરણા સે હમ ચરખે અપને ઘરોમેં ફિર સે સ્થાપિત કર રહે હૈ. ઔર આશા હૈ કી યથા શીઘ્ર હમારી બિરાદરીકા કોઈ ઘર બીના ચરખે ન રહેગા. હમ યહ તુચ્છ રકમ બતોર પરસ કે આપકે ચરણોમેં પેશ કરતે
હૈ. આશા હૈ આપ સ્વીકાર કર કે કૃતાર્થ કરેંગે. અંતમે હમ ઈશ્વેર સે પ્રાર્થના કરતે હૈ કી આપને જો ભારત વર્ષ ઔર મનુષ્ય માત્ર કે ઉદ્ધાર કા બેડા ઉઠયા હૈ વહ શીઘ્ર હી પાર લગેગા.
આપકી સેવામે
મૈઢ રાજપૂત સભા”
કેટલાક માનપત્રો હસ્ત લિખિત છે જેમાં તારીખ કે સ્થળ સ્પષ્ટ થતા નથી પણ ભારતની પ્રજાની ગાંધીજી અને તેમના કાર્યો પ્રત્યેની ભાવનાધારદાર રીતે વ્યક્ત થાય છે. એવા જ એક હસ્ત લિખિત માનપત્રનો આરંભ શ્રી ગણેશજીના ગોળાકારમાં હાથે દોરેલા ચિત્રથી થાય છે. ચિત્રની ડાબી બાજુ “શ્રી ગણેશાય નમઃ” લખ્યું છે. જયારે જમણી બાજુ “સ્વરાજ જન્મનો હક્ક હૈ” લખ્યું છે. હિન્દી ભાષામાં લખાયેલ આ માનપત્રનો આરંભ કરતા હસ્ત લિખિત અક્ષરોમાં લખ્યું છે,
“પૂજયનીય મહાત્માજી

ધન્ય ધન્ય વહ દિન જિસ દિન આપકે મુખ કમલ કા અવલોકન હો. ધન્ય ધન્ય વહ ધરી જિસમેં આપકે ચરણકમલ પધારે. ધન્ય ધન્ય વહ હાથી દરવાજા જહાં આપકે વિમાન રૂપી રથ ચલે… પરમાત્મા કા કોટી કોટી વંદન કરતે હૈ કી આજ હંમે આપકે મુખ કમલ કા દર્શન પ્રાપ્ત હુઆ હૈ. આપ કે સમાગમ કી ઇતની અભિલાષાથી જેસે અયુંધ્યાવાસીઓ કો રાજયશિરોમણી શ્રી રામચંદ્ર કી અભિલાષા થી. ઈશ્વર આપકો સહસ્ત્રાઆયુ પ્રદાન કરે, જો આપ સદેવ ધર્મનીતિક, રાજનીતિક કાર્યો મેં પ્રવર્ત કરે. ઔર આપ જેસે કે કારન
પંચાયતે બની રહે. યથા આપસ કે ઝગડે અપની પંચાયતો મેં નિબટાયા કરે ઔર કોરટ મેં ન જાય. ઇસ લીયે યહ હાથી દરવાજાવાલી પંચયાત પરમાત્મા કે દરબાર મેં બિનતી કરતી હૈ કી આપકો ઇસ કાર્ય મેં સૌભાગ્ય પ્રાપ્ત હો. આપ કે પ્રચાર સે શહર શહર ગાવ ગાવ મેં હર જગહ સેવા મંડલીયે હો રહી હૈ જીનકા કાર્યફલ અપને ભાઈઓ કી સેવા કરના હૈ. ઇસી કારન, ઇસી તરહ હાથી દરવાજે વાલી દેશ હિતકારક મંડલી આપશે આશીર્વાદ માંગતી હૈ જો આપ કૃપયા ઇસ મંડલી પર પવિત્ર હસત કમલ ધારણ કરે ,જો યહ મંડલી અપને ઉદેશો પર કાયમ રહે “

આ માનપત્રમા વ્યક્ત થેયેલી ભાષા અને વિચારો નોંધપાત્ર છે.પ્રથમ તો તેની ભાષા અને શબ્દોના
ગઠનમાં એ યુગની ઝાંખી થાય છે. જયારે તેના વિચારોમાં ગાંધીજીની સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ પ્રત્યેની વિભાવના વ્યક્ત થાય છે. અંગ્રેજી કોર્ટો કરતા આપણી પંચાયતો સામજિક સમન્વય અને ન્યાયનું

ઉમદા માધ્યમ હતી. અંગ્રજોના શાસનકાળ દરમિયાન પંચાયતોનું અસ્તિત્વ ભુંસાઈ ગયું હતું. અને તેનું સ્થાન અંગ્રજી કોર્ટોએ લીધું હતું. ગાંધીજીએ દરેક ક્ષેત્રમાં સ્વદેશી વિચારને અમલમાં મુકવાના ભાગ રૂપે પંચાયતોને પુનઃ જીવંત કરવા પ્રજાને હાકલ કરી હતી.તેનું પ્રતિબિંબ આ માનપત્રમા જોઈ શકાય છે.
ગાંધીજીને મળેલા માનપત્રોના ભિન્ન સ્વરૂપને વ્યક્ત કરતુ એ અન્ય માનપત્ર માણવા જેવું છે. ઉર્દૂ ગઝલના સ્વરૂપમાં લખાયેલ આ માનપત્ર ૧૩ નવેમ્બર ૧૯૨૯ના રોજ ગાંધીજીને આપવામાં આવ્યું હતુ. માનપત્રમા રાયબરેલી જીલ્લાના લાખા ગામની મીડલ સ્કુલના હેડ માસ્તર અને જાણીતા શાયર જાનકી પ્રસાદ “મૈકશ” એ ગાંધીજીના આગમન સમયે પોતાની ગઝલ દ્વારા તેમના કાર્યોને બિરદાવ્યા હતા. ઉર્દુમાં લખાયેલ અને ૧૩ નવેમ્બરના રોજ રાયબરેલી મુકામે ગાંધીજીના માનમાં યોજાયેલ સમાંરભમાં વાંચી સંભળાવી,તેમને અર્પણ કરવામાં આવેલા માનપત્રની ગઝલના એક એક શબ્દ અને વિચારોમાં ગાંધીજી દ્રશ્યમાન થાય છે. ગઝલના મથાળે લખ્યું છે,

“જાનકી પ્રસાદ “મૈકશ” હેડ માસ્તર મીડલ સ્કુલ લાખા જિલ્લા રાયબરેલી” એ પછી આરંભેલ ગઝલમાં લખ્યું છે,

“આજ કા દિન તુમકો મુબારક હો,
તુમ્હારે ઘરમે વતનકા મદદગાર આયા હૈ
ચરખે સે આવાઝ આતી હૈ કે તુમ ઇસકો ચલાઓ,
અગર તુમ્હેં ખુશીકા ચહેરા દેખના હૈ,
કોશિશ કરકે તુમ સુત કાંતો ઔર કપાસ ઉગાઓ
તુમ નંગે રહેને કે બજાય બુન્નેકા પેશા ઇખ્ત્યાર કરો,
અગર તુમ હાથ પેર કો હરકત દોગે તો ખુદા બરકત દેગા,
ઔર ઇસકી વજહ સે તુમ તંદુરસ્ત રહોગે
ઔર તુમ્હે દાક્તર કી જરૂરત નહિ પડેગી
સખ્તી કો ઔર કડવાહટ કો તુમ બરદાસ્ત કરો, ઉફ મત કરો
યહી ગાંધીકા ઔર ઉસકે જીનેકા તરીકા હૈ
તુમ જાન ઔર માલ કી પરવા ન કરો
મેં વતન કી શમ્મા કા પરવાના હું
અગર હમારા ઇત્ફાક બલંદી પર હૈ
તો આઝાદીકા સુરજ કરીબી હૈ
ઉસકો ઝાહિર ઔર બાતીની કી સબ ખબર હૈ

ઉપરોક્ત માનપત્રમા ગાંધીજીનો ચરખો અને તેની પાછળની રાષ્ટ્રને સ્વાવલંબી કરવાની ગાંધીજીની ભાવના શાયરે વ્યક્ત કરી છે. ૧૯૨૯ના ૧૩ નવેમ્બરનો યુગ રાષ્ટ્રીય જાગૃતિની પરાકાષ્ઠાનો યુગ હતો.એક બાજુ અહિંસક ગાંધી વિચારો પ્રસરેલા હતા , તો બીજી બાજુ ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ અને ચદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓથી ભારતનો યુવા વર્ગ પ્રભાવિત હતો. એ યુગમા ગાંધીજીની લોકપ્રિયતા કરતા ભગતસિંગની લોકપ્રિયતા બમણી હતી. અને આમ છતાં ગાંધીનો જાદુ ઓસર્યો ન હતો. ચરખા અને અહિંસાની હજુ ખેવના લોકોના માનસમાં સંગ્રાહેલી હતી. જે આ ગઝલના સ્વરૂપમાં લખાયેલા માનપત્રમા જોઈ શકાય છે.

ગુજરાત અને કાઠીયાવાડના કેટલાક કુટુંબો વર્ષો પૂર્વે મહારાષ્ટ્રના કોલાબા જીલ્લાના અલીબાગમાં જઈને વસ્યા હતા. ૩ માર્ચ ૧૯૨૭ના રોજ ગાંધીજીએ અલીબાગની મુલાકાત લીધી, ત્યારે અલીબાગના ગુજરાતી બંધુઓએ ભેળા થઈ “ગુજરાતી વાંચનાલય સંસ્થા” તરફથી ગાંધીજીને માનપત્ર આપવા સન્માન સમારંભ યોજયો હતો.અલીબાગના ગુજરાતીઓએ ગાંધીજીને આપેલ માનપત્ર અત્યંત કલાત્મક હતું. માનપત્રના ડાબા ખૂણે ગાંધીજીઓ ફોટો હતો.જયારે જમણી બાજુ ગાંધીજીનો રેંટિયો શોભતો હતો.રેંટિયા નીચે લખવામાં આવ્યું હતું “વીસમી સદીનું સુદર્શન ચક્ર” તેની બરાબર વચ્ચે ઓમના અક્ષરોમાં કૃષ્ણ ભગવાનનું ચિત્ર મુક્યું હતું. માનપત્ર ફરતે સુંદર બોર્ડર હસ્તકલાના નમુના રૂપ શોભતી હતી.માનપત્રનું મથાળું પણ પ્રભાવશાળી હતું.
“અખિલ ભારતભૂષણ ‘હિદ માતાના પ્રભાવશાળી પુત્ર’ પરમ પૂજ્ય મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની પવિત્ર સેવામાં”
ઉપરોક્ત મથાળા સાથે આરંભાયેલ માનપત્રમા કુલ દસ મુદ્દોમાં રાજકારણ અને ધર્મ, અહિંસા,ખાદી, અસ્પૃશ્યતા જેવા ગાંધીજીના આગવા સશ્ત્રોને બિરદાવવામાં આવ્યા હતા. પણ રાજકારણ અને ધર્મ અર્થાત સત્ય અંગેનો પ્રથમ મુદ્દો આજના રાજકારણીઓ માટે પણ સમજવાનો અને આચરણમાં મુકવા જેવો છે. એ મુદ્દામાં અલીબાગના ગુજરાતીઓ લખે છે,

“વંદનીય મહાત્માજી,

આજ દિન સુધી રાજકારણ એ કપટનીતિનો ગૂંચવણ ભરેલો મામલો સમજવામાં આવતો હતો. પરતું આપે રાજકારણ સાથે ધાર્મિક પ્રવૃત્તિનું જોડાણ કરીને આત્મ શુદ્ધિનો પહેલો પાયો રાજકારણમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. અને તેની જરૂરિયાત છે એમ આખી દુનિયાને માન્ય કરવું પડ્યું છે.રાજકારણમાં સત્યની આવશ્યકતા છે અને સત્યનો અંતે જય છે, તે વગર રાજકારણ પણ નિરર્થક છે એમ પ્રસ્થાપિત કરવાને જે આપની લડત ચાલે છે તે તરફ આખી દુનિયા એકાગ્ર નજરે જોતી રહી છે”

રાજય બહાર વસતા ગુજરાતીઓની ગાંધીજી પત્યેની સન્માન દ્રષ્ટિ સાથે ગુજરાતમાં વસતા ગુજરાતીઓની ગાંધીજી પત્યેની લાગણી પણ જાણવા જેવી છે. ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૫ માહાવદ ૪ ગુરુવારના રોજ વીરસદ મુકામે ગાંધીજીને આપવામાં આવેલ માનપત્ર તેની ભાષા, વિચાર અને અભિવ્યક્તિની દ્રષ્ટિએ વિશિષ્ટ છે. વીરસદ નિવાસીઓએ ગાંધીજીને આપેલ માનપત્રના મથાળે ગાંધીજી માટે કરેલ સંબોધન અત્યાર સુધી જોયેલા માનપત્રો કરતા જુદું છે.

“શ્રી જગત વંદનીય પૂજ્ય મહાત્માશ્રી”

અને એ પછી વીરસદ નિવાસીઓ ગાંધીજીની સ્તુતિમાં લખે છે,

“આપશ્રીના પરમ પુનીત ચરણકમલ સમક્ષ આ સહદય પુષ્પાંજલિ અર્પણ કરતા અમે વારંવાર વંદન કરીએ છીએ. દીર્ઘ કાળથી ઘોર નિંદ્રામાં પડેલી આ મહાન ભારત દેશની જનતાને અહિંસા અને આત્મબળની ધર્મ ભાવનાથી જાગૃત કરી, નવજીવન સીંચી મુક્તિ સ્વાતંત્રને સુપંથે પ્રેરનાર અદ્વિતીય મહાપુરુષ, ભગીરથ પ્રયત્ન ભર્યા દેશ કાર્યના અવિશ્રાંત શ્રમથી શ્રમિત છતા, અમારા જેવા ગ્રામજનો ઉપર આશીર્વચનો વરસાવવા આજે અત્રે પધાર્યા છો, એ અમારા અહોભાગ્ય છે !

આજના પુણ્યમય દિવસે આપ કર્મવીર મહાત્માશ્રીના પ્રેમ પૂર્વક સ્વાગત સાથે,અમને વિદિત કરતા આનંદ થાય છે કે અમોએ રેંટિયો અને ખાદી પ્રચાર,હિંદુ-મુસ્લિમ એક્યતા તેમજ અસ્પૃશ્યતા નિવારણના મહામંત્રને યથાશક્તિ પોષી રહ્યા છીએ, અને આશા છે કે આજના આપશ્રીના પધારવાથી તેમાં દિનપ્રતિદિન અભિવૃદ્ધિ થશે.

ભારત શ્રેષ્ટ ! આપશ્રીની દરેક રચનાત્મક કાર્યક્રમવાળી ધર્મભાવનાને અનુસરવા અમો નિશ્ચિત છીએ.
મહાનુભાવ ! સમુદ્રમાં બિંદુવત અમારી આ માનપત્ર રૂપી શ્રદ્ધાંજલિ આપશ્રી સ્વીકારી અમોને ઉપકૃત કરશો જી . ઇતિ .

લી. અમો છીએ આપશ્રીના સેવકો વીરસદ નિવાસીઓ”

ગાંધીજીને સન્માનિત કરતા માનપત્રોની આ પરંપરા છેક ૧૯૪૭ સુધી અવિરત પણે ચાલુ રહી છે.પણ એ તમામ આજે ઉપલબ્ધ નથી. માત્ર ૧૫૫ જેટલાજ માનપત્રો જ સાબરમતી આશ્રમ,અમદાવાદમાં સચવાએલા છે.જો કે એ માનપત્રોમા ગાંધીજીના આદર્શો, કાર્યો અને તેમના પ્રત્યેની પ્રજાની અપેક્ષો અહોભાવ પૂર્ણ રીતે નોંધાયેલી છે. પણ આ તમામ માનપત્રોમા ઉડીને આંખે વળગે તેવી બાબત ગાંધીજી માટે થયેલ વિવિધ સંબોધનો છે. જે તેમની પ્રજા માનસમાં અંકિત થયેલી છબી વ્યક્ત કરે છે

“પૂજ્ય પાદ મહાત્મા મોહનદાસ કર્મચંદ ગાંધી”
“શ્રીમાન સત્ય સંધ ત્યાગમૂર્તિ મહાત્મા ગાંધીજી”
“અમન અને શાંતિના ફરિશ્તા મહાત્મા ગાંધીજી”
“પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય મહાત્મા ગાંધીજી”
“ભારત હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી”
“દેશ કે મુકટ ઔર હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી”
“પુણ્યશ્લોક મહાત્મા ગાંધીજી”
“પૂજ્યપાદ જગ વિખ્યાત મહાત્મા મોહનદાસ ગાંધી”
“ત્યાગ મૂર્તિ મહાત્મા ગાંધીજી”
“હમારે હદય સમ્રાટ પૂજનીય મહાત્માજી”
“નર શ્રેષ્ટ મહાત્માજી”
“ભારત ગૌરવ પૂજ્યપાદ શ્રી મહાત્મા ગાંધી”
“દરિદ્ર દેવ – અછૂત હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી”
“શ્રી જગત વંદનીય પૂજ્ય મહાત્માશ્રી”

જેવા અનેક તખલ્લુસોથી સમગ્ર વિશ્વમાં સન્માનિત થયેલા ગાંધીજીને કોઈ એક નાનકડો દેશ નોબેલ પારિતોષિકથી સન્માનિત ન કરે તેથી ગાંધીજીની પ્રતિભા જરાયે ઝાંખી થતી નથી, બલકે ગાંધીજીના અવસાનના ૬૩ વર્ષ પછી પણ એનો વસવસો નોબેલ પારિતોષિક સમિતિ આજે પણ કરી રહી છે. એ જ ગાંધીજીના વ્યક્તિત્વનું સાચું સન્માન છે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s