સૂફી વિચારના મૂળ : ડો.મહેબૂબ દેસાઈ

સૂફી વિચાર પ્રેમનો માર્ગ છે. જ્યાં પ્રેમ એ જ મજહબ છે, ઈબાદત છે. “ફરહંગે આનદરાજ”નામક ફારસી શબ્દકોશમાં સૂફીની વ્યાખ્યા આપતા લખ્યું છે,
“પોતાના દિલને શૈતાનીક માર્ગોથી દૂર રાખી પયગમ્બરે ચિંધેલા માર્ગે અલ્લાહની ઈબાદત (ઉપાસના) અને રીયાઝ(તપશ્ચર્યા) કરે અને અલ્લાહના દરેક બંદાને પ્રેમ કરે તે સૂફી છે”

એ નાતે હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)દુનિયાના સુફીઓના આદર્શ હતાં. તેમના જીવનકવનમાંથી સમગ્ર દુનિયાના સૂફીઓએ સુફી વિચારનો અર્ક મેળવ્યો છે. સાદગી, ત્યાગ, ઈબાદત, મૃદુતા,નમ્રતા, નિરાભિમાન અને ખુદાનો ખોફ તેમના જીવન આદર્શ હતાં. જો કે ઇસ્લામના મોટાભાગના પયગમ્બરોના જીવનમાં જાણ્યે અજાણ્યે સૂફી વિચાર કેન્દ્રમાં હતો. કુરાન-એ-શરીફમાં કુલ ૨૮ પયગમ્બરનો ઉલ્લેખ છે. જેમાના મુખ્ય છ પયગમ્બરો હઝરત આદમ, હઝરત નૂહ, હઝરત ઈબ્રાહીમ, હઝરત મુસા, હઝરત ઈશા અને હઝરત મોહંમદ (સ.અ.વ.) સૂફી આચારમાં સંપૂર્ણ રીતે રંગાયેલા હતાં. અને એટલે જ કહેવાય છે,
“હઝરત આદમના સમયમાં તસવ્વુફનું બીજારોપણ થયું. હઝરત નુંહના સમયમાંએ બીજ અંકુર બન્યું. હઝરત ઈબ્રાહિમના સમયમાં તે ક્લી બની. અને હઝરત મોહંમદ(સ.અ.વ.)ના સમયમાં તેની સુગંધ પ્રસરી”

મદીનામાં મસ્જિત-એ-નબવીના સર્જન પછી સૌ પ્રથમ સૂફાખંડનું સર્જન કરવાની સલાહ ખુદ મહંમદ સાહેબે જ આપી હતી. ત્યારે એક સહાબીએ પૂછ્યું હતું,
“સૂફાખંડ શા માટે બનાવવો છે?’
મહંમદ સાહેબે તેનો જવાબ વાળતા ફરમાવ્યું હતું,
“ મસ્જિત-એ-નબવીમાં ખુદાના બંદાઓ ખુદાની ઈબાદત કરશે અને સૂફાખંડમાં તેઓ ખુદાની પ્રાપ્તિના માર્ગોની ચર્ચા કરશે.”

કેટલાક વિદ્વાનો માને છે કે સૂફી વિચારના મૂળ તો છેક કુરાન-એ-શરીફ અને હદીસમાં પડ્યા છે.
તેઓ સ્પષ્ટ કહે છે કે “કુરાને શરીફ અલ્લાહ સુધી પહોચવાનું પ્રથમ સાધન છે.” કુરાને શરીફ ની અનેક આયાતો સૂફી વિચારોને ઉત્તેજન આપે છે. જેમકે, “ ઇન્સાનમાં અમે અમારો આત્મા (રૂહ) મુક્યો છે.”
“ તું કોઈ પણ બાજુ નજર કરીશ ત્યાં અલ્લાહ છે.” “અલ્લાહ તેના બંદાની નજીક છે.”
“અલ્લાહ તેના બંદાની ગળાની નસ કરતા પણ વધુ નજીક” “પવિત્ર પુરુષો અલ્લાહ ચાહે છે,અને અલ્લાહ તેમને ચાહે છે” “અધર્મીઓને મારી નાખનાર તું ન હતો.પરંતુ અલ્લાહે તેમને મારી નાખ્યા”

કુરાન-એ-શરીફમાં અનેકવાર કહેવામાં આવ્યું છે, “અલ્લાહને વારંવાર યાદ કરો” એ આદેશને સૂફીઓ ઝિક્રના અર્થમાં સ્વીકારે છે. “અલ્લાહ સિવાય ધરતી ઉપરની દરેક વસ્તુ નાશવંત છે” કુરાન-એ-શરીફના આ ઉપદેશને સૂફીઓ ‘ફના’ ના સિધ્ધાંત તરીકે સ્વીકારે છે.
“અલ્લાહ ઇન્સાનને સાધન બનાવીને તેની મારફત પોતાનું કાર્ય કરાવે છે”
“દુનિયામાં જે કઈ છે તે અલ્લાહનું જ સર્જન છે”

કુરાન-એ-શરીફની આવી આયાતોમાં સૂફીઓ રહસ્યવાદના બીજ જોવે છે. આ ઉપરાંત
કુરાન-એ-શરીફમાં દોઝક(નર્ક)નું વર્ણન પણ સૂફી વિચારનું મૂળ કારણ માનવામાં આવે છે.
કુરાન-એ-શરીફમાં દોઝાકનું વર્ણન આપતા કહ્યું છે,
“જે લોકો અમારી આયાતો પર ઈમાન (વિશ્વાસ) લાવ્યા નથી, તેમને દોઝાકનો સ્વાદ ચાખવો પડશે.દોઝાકની આગ તેમની ચામડીને બાળી નાખશે. ત્યારે અમે (ખુદા)નવી ચામડી આપી તેમને પુનઃ બાળશું. એ વેદના અસહ્ય હશે”

આ ઉપરાંત કુરાન-એ-શરીફમાં “તોબા”નો મહિમા અદભૂત રીતે વ્યક્ત થયો છે.તોબા એટલે પ્રાયશ્ચિત.
તોબા (પ્રાયશ્ચિત) ખુદાને અનહદ પસંદ છે. તોબા કરનાર બંદાને ખુદા ચાહે છે.તોબની આવી મહત્તાને કારણે જ ખુદાના નજીકના બંદાઓનું દિલ દુનિયાથી વિરક્ત થઈ ગયું અને તેમણે “તસવ્વુફ”નો માર્ગ પસંદ કર્યો. આમ હઝરત મુહંમદ સાહેબ (સ.અ.વ.)એ ઇસ્લામની જાહેરાત કરી એ પછી ત્રીસ વર્ષમાં અરબસ્તાન અને સિરિયામા આવા વિચારોને માનનાર ઝાહીદો (પવિત્ર સંત પુરુષો)ની સંખ્યા મોટા પ્રમાણમાં વિકસી હતી. તેમણે ‘તસ્વ્વુંફ’ના સિદ્ધાંતને આચારમાં મુક્યો હતો. પણ એ સમયે “સૂફી” શબ્દ ચલણમા ન હતો. મોલાના જામી કહે છે,

“હિજરી બીજી સદીના અંતમાં એટલેકે ઈ.સ.૮૧૫-૧૬ની આસપાસ ‘સૂફી’ શબ્દ પ્રચલિત થઈ ગયો હતો”

હઝરત મુહંમદ પયગમ્બર સાહેબ, ઇસ્લામના ચાર ખલીફા અને સહાબીઓના જીવન કવનમાંથી પણ સૂફી વિચારધારાનો પિંડ બંધાતો ગયો. ખલીફા ઉમર ઊનનો ચોગો પહેરતા. હઝરત અલી ઇસ્લામના ચોથા ખલીફા હતા. વળી, તેઓ મહંમદ સાહેબના જમાઈ હતાં.સૂફી વિચારના તેઓ હિમાયતી હતા.અને એટલે જ તસવ્વુફનો કોઈ પણ આશક હઝરત અલી અને હઝરત હુસેનનું નામ આજે પણ ઈજ્જતથી લે છે. એ જ રીતે કેટલાક સહાબીઓ મસ્જીતે નબવીના સૂફાખંડમાં જ ખુદાની ઇબાદતમાં રત રહેતા.તેમની ઈબાદત આમ મુસ્લિમોથી ભિન્ન હતી. તેઓ સદવર્તન,નિખાલસતા,પ્રેમ,ત્યાગ અને ખુદાના ડર સાથે કુરાને શરીફનું પઠન કરતા.ધણીવાર તેઓ મઝહબની ચર્ચામા કલાકો સુધી લીન રહેતા. આવ ઝાહીદો (પવિત્ર સંત પુરુષો) મહંમદ સાહેબને પ્રિય હતાં હઝરત ઉવેશ કરની તેમાના એક હતા. ઓહદના યુધ્ધમાં મહંમદ સાહેબ (સ.અ.વ.)ના બે દાંત તૂટી ગયાના સમાચાર સંભાળી હઝરત ઉવેશે પણ પોતાના બે દાંત તોડી નાખ્યા. મહંમદ સાહેબ પણ તેમને ખુબ ચાહતા.અને એટલે જ મહંમદ સાહેબે હઝરત ઉમર અને હઝરત અલીને કહ્યું હતું, “મારી વફાત (અવસાન) પાછી મારો મુરક્કો (વૈરાગ્ય વસ્ત્ર) હઝરત ઉવેશને આપજો”

આમ સૂફી વિચારના મૂળમાં ઇસ્લામનો ધર્મ ગ્રન્થ કુરાને-એ-શરીફ, પયગમ્બર મહંમદ સાહેબ અને ઇસ્લામના ખલીફાઓના આદર્શ જીવન પડેલા જોવા મળે છે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s