kuran-e-sharif and Ramzan : Prof. Mehboob Desai

કુરાને શરીફના અવતરણનો માસ

ડો. મહેબૂબ દેસાઈ

કુરાને શરીફના અવતરણની ખુશી પણ રમજાન માસ ની ખુશીમાં સામેલ છે. રમજાન માસનો ચોવીસમો રોજો હતો એ દિવસે રસૂલે પાક (સ.અ.વ.) હંમેશ મુજબ ગારેહિરામાં વ્યથિત હૃદયે ખુદાની યાદમાં બેઠા હતા. ચારે તરફ એકાંત અને સન્નાટો હતો. પ્રભાતનું ઝાંખું અજવાળું ધરતીના સીના પર રેલાઈ રહ્યું હતું. બરાબર એ સમયે ગારેહિરામાં અલ્લાહના ફરિશ્તા જિબ્રાઈલનો અવાજ ગુંજી ઊઠયો, ‘ઇકરસ.’ અર્થાત્ પઢો.

હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) આ આદેશ સાંભળી ચકિત થયા. પોતાના આશ્ચર્યને વ્યકત કરતાં આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું, ‘મા અના તિ-કારિ-ઇન.’ અર્થાત્ ‘મને પઢતા નથી આવડતું.’

ફરી વાર ફરિશ્તાએ એ જ આદેશ આપ્યો અને ફરી વાર આપ (સ.અ.વ.) એ જવાબ વાળ્યો, લગભગ ત્રણ વાર આ વ્યવહાર થયો હશે. ચોથી વાર ફરિશ્તાએ આખી આયાત સંભળાવી અને તે પઢવા હજૂરે પાક (સ.અ.વ.)ને કહ્યું. ફરિશ્તા જિબ્રાઈલ દ્વારા ખુદાએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઉતારેલી એ સૌથી પ્રથમ આયાત માત્ર મુસ્લિમો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આયાતમાં ખુદાએ કહ્યું હતું, ‘પઢો પોતાના પરવરદિગારના નામથી, જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો તે બધી તેને શીખવી છે.’

એમ કહેવા પાછળનો ગહન અર્થ એ છે કે કલમ એ જ્ઞાનના પ્રચાર-પ્રસારનું મહત્ત્વનું સાધન છે. એમ ખુદા જયારે આયાતમાં જ મહંમદ સાહેબ (સ.અ.વ.)ને ફરમાવે છે ત્યારે ઇસ્લામે ‘ઇલ્મ’ને કેટલું મહત્ત્વ આપ્યું છે તે સ્પષ્ટ થઈ જાય છે. શા માટે પ્રથમ આયાત કલમ, જ્ઞાન-ઇલ્મના સંદર્ભમાં જ ખુદાએ ઉતારી? શા માટે અન્ય કોઈ આદેશ ખુદાએ પ્રથમ આયાતમાં ન આપ્યો? વિશ્વના સર્જનહાર ખુદા એ વાતથી ચોક્કસ વાકેફ હતા કે આ દુનિયાનું સર્જન મેં કર્યું છે, તેનાં રહસ્યોને પામવા તેની મખલુકને સમજવા અને તેની રજે રજને ઓળખવા ઇલ્મ-જ્ઞાન અને તેને પ્રસરાવતી કલમ અત્યંત જરૂરી છે અને તેથી જ સમગ્ર માનવજાત ઇલ્મ-જ્ઞાન મેળવે તે અનિવાર્ય છે, માટે જ આયાત સૌપ્રથમ નાઝીલ થઈ હશે એમ કહી શકાય. કુરાને શરીફને બાકાયદા લખી લેવાના હેતુથી હજરત સિદ્દીક અકબર (રદિ.) એ હજરત ઝયદબિન સાબિદને આ કાર્ય સોંપ્યું. કારણ કે એ સમયે હજરત ઝયદબિન સાબિદ (રદિ.) કુરાને શરીફની આયાતોના જાણકાર વિદ્વાન હતા.

તેમને આ કાર્યમાં મદદ કરવા ૭૫ જેટલા જલીલુલકદ્ર અસ્હાબે કિરામની એક સમિતિ પણ બનાવવામાં આવી. આમ અનેક અડચણો પછી કુરાને શરીફની પ્રથમ લેખિત પ્રત તૈયાર થઈ. આ પ્રત હજરત સિદ્દીક અકબર (રદિ.) પાસે તેમની વફાત-મૃત્યુ સુધી રહી. આ પછી હજરત ઉસ્માન (રદિ.)ના સમયમાં આ જ કુરાને શરીફની પાંચ પ્રતો તૈયાર કરવામાં આવી અને તે જુદા જુદા ઇસ્લામી દેશોમાં પહોંચાડવામાં આવી. આમ, કુરાને શરીફ લોકો સુધી પહોંરયું. કુરાને શરીફના માનવીય આદર્શોને વ્યકત કરતા સિદ્ધાંતોથી પ્રભાવિત થઈ પછી તો તેના તરજુમા દુનિયાની દરેક ભાષામાં થયા. ફારસી, પુશ્તો, તૂર્કી, ચીની, રશિયન, હિન્દી, ગુજરાતી, મરાઠી, તેલુગુ અને મલયાલમ ભાષામાં કુરાને શરીફના તરજુમા થયા છે. લોકો આ પવિત્ર ગ્રંથથી પ્રભાવિત થઈ ઇસ્લામ તરફ વળવા લાગ્યા.

‘કેરા’ શબ્દ પરથી ઊતરી આવેલ ‘કુરાન’ શબ્દનો અર્થ થાય છે જાહેર કરવું કે વાચવું. ખુદાએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઉતારેલ કુરાને શરીફમાં દુનિયાના તમામ વિષયોનું જ્ઞાન મોજૂદ છે. કુરાને શરીફની હિદાયતોનો અમલ કરવાનો ઇદના આ પ્રસંગે આપણે સૌ નિર્ધાર કરીએ એ જ ઇદની સાચી ઉજવણી ગણાશે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s