Relation of Hazerat Imam Hussain with India

હજરત ઇમામ હુસેનના ભારત સાથેના સંબંધો

-ડૉ.મેહબૂબ દેસાઈ

ઇરાનના રાજાએ પોતાની મોટી પુત્રી મહરબાનોને મહારાજા ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ત્યારબાદ તેનું નામ ચંદ્રલેખા રાખવામાં આવ્યું હતું

કરબલાના મેદાનમાં મહોરમ માસમાં હજરત ઇમામ હુસેન યઝીદ સાથેના યુદ્ધ અને તેમની શહાદતને ભારતના કેટલાક ઇતિહાસકારો ભારતીય ઇતિહાસ અને એ સમયના શાસકો સાથે જોડી રહ્યાં છે. અલબત્ત તેની આધારભૂતતા તપાસવી જોઇએ.

આમ છતાં ભારતીય ઇતિહાસવિદ્ રાજકુમાર આસ્તાનાએ તેમના પુસ્તક ‘પ્રાચીન ભારત’ (પ્રકાશન ૧૯૩૬)માં હજરત હુસેન અને ભારતના સંબંધોનો ઉલ્લેખ કરતા લખ્યું છે, ‘ઇરાનના શહેનશાહ બરદન ઝરદની પુત્રી મહરબાનો, જેનું નામ ભારતમાં આવ્યા બાદ ચંદ્રલેખા થયું હતું, તે ઉજજૈનના મહારાજા ચંદ્રગુપ્ત મૌર્યનાં પત્ની હતાં. પોતાના ઇરાની વંશના આધારે હિજરી સન ૬૧માં ઇમામ હુસેને કરબલામાં યઝીદના સેનાપતિ ઉમર સઅદ સમક્ષ પોતે ભારત જવા ઉત્સુક હોવાનો વિચાર વ્યકત કર્યો હતો.’

ઇતિહાસવિદ્ અસ્તાના આગળ લખે છે, ‘એવી માહિતી પણ પ્રાપ્ત થાય છે કે કરબલાની લડાઇના પ્રસંગે ચંદ્રગુપ્તને પોતાના સેનાપતિ પંડિત ભૂરિયા દત્તના નૈતૃત્વમાં ૫૦૦ સૈનિકોનું લશ્કર ઇમામ હુસેનના રક્ષણાર્થે ભારતથી ઇરાક રવાના કર્યું હતું, પરંતુ જયારે લશ્કર ઇરાકના કુફા નગરમાં પહોંચ્યું ત્યારે એવી જાણ થઇ કે ઇમામ હુસેનને યઝીદે શહીદ કરી દીધા છે.

ઇમામ હુસેનનો લૂંટાયેલો કાફલો જયારે મદીના પહોંચ્યો ત્યારે ઇમામ હુસેનની શહાદતનો બદલો લેવા મુખ્તાર સફીક ઊભા થઇ ગયા. ભારતીય લશ્કરનો મોટો ભાગ તેમની સાથે જોડાઇ ગયો. બાકીના સૈનિકો ભારત પરત આવ્યા હતા.’

ઇતિહાસકાર અસ્તાનાના આ સંશોધન મુજબ ભારતીય લશ્કર હજરત હુસેનની મદદે સમયસર પહોંચી ગયું હોત તો માનવતાની એ લડાઇમાં ભારત-આરબ બંધુત્વનો એક નવો ઇતિહાસ રચાત.

હજરત ઇમામ હુસેન સાથેના હિન્દુ શાસકો સાથેના સંબંધોને ‘ઇસ્લાહુ’ નામના માસિકના મહોરમ વિશેષાંકમાં પણ સ્વીકારવામાં આવ્યા છે. એપ્રિલ-મે ૨૦૦૨માં લખનૌથી પ્રકાશિત થયેલ એ અંકના ૧૦૯માં પૃષ્ઠ પર લખ્યું છે, ‘ઇસ્લામના પ્રણેતા મહંમદ સાહેબના પરિવારના ભારત સાથેના સંબંધો હજરત અલીથી શરૂ થયા છે.

ત્યાર બાદ ઇમામ હુસેનનો ભારત સાથેનો સંબંધ એ રીતે થયો હતો કે ઇરાનના બાદશાહ બરદન ઝરદની ત્રણ પુત્રીઓ હતી. મોટી પુત્રીનું નામ મહરબાનો, બીજીનું નામ શહરબાનો અને ત્રીજીનું નામ કિસરાનબાનો હતું.

તે સમયે ભારતમાં મહારાજા ચંદ્રગુપ્તનું શાસન હતું. તેમની રાજધાની ઉજજૈન હતી. તેમના સેનાપતિનું નામ ભૂરિયા દત્ત હતું. ઇરાનના રાજાએ પોતાની મોટી પુત્રી મહરબાનોને મહારાજા ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. મહરબાનો ઇરાની નામ છે. ‘મહર’નો અર્થ ચંદ્ર થાય છે.

એ મુજબ ભારતના ઇતિહાસમાં ચંદ્રમુખી તરીકે જાણીતી છે. ચંદ્રલેખાએ જ સમુદ્રગુપ્તને જન્મ આપ્યો હતો. ઇરાન પર જયારે આરબોએ આક્રમણ કર્યું, ત્યારે ઇરાનીઓ પરાજિત થયા. ઇરાની બાદશાહ માર્યા ગયા.

ત્યારે તેમની બંને પુત્રીઓને મદીનામાં આશ્રય આપવામાં આવ્યો હતો. તેમાંની શહરબાનો સાથે હજરત ઇમામ હુસેને નિકાહ કર્યા હતા. ઇમામ હુસેનના પુત્ર જૈનુલ આબિદ્દીનને તેમણે જ જન્મ આપ્યો હતો.’

આ ઐતિહાસિક બાબતો એ સૂચવે છે કે હજરત મહંમદ પગયગમ્બર (સ.અ.વ.) અને હજરત ઇમામ હુસેનના ભારત સાથેના સંબંધો ઘણા નિકટના હતા. એ દ્રષ્ટિએ હજરત ઇમામ હુસેન ભારત અને આરબ વચ્ચે બંધુત્વની એક અદભૂત કડી હતા.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s